Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

આરોપીએ મહિલાનું એફબી હેક કરી બીભત્સ ફોટો મુક્યા

સુરતની પરિણિત મહિલાનું ફેસબુક હેક : મહિલાને પતિએ પોતાના ફોનમાં બતાવ્યું હતું, કે તેની એફબી સ્ટોરીમાં તેના બીભત્સ ફોટા અપલોડ થયેલા છે

સુરત, તા.૧૨ : આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ જોરદાર વધ્યો છે, પરંતુ તેમાં અવનવા ફોટા મૂકનારા યુવક-યુવતીઓ ક્યારેક પાસવર્ડ એવા રાખી દેતા હોય છે કે તેનાથી તેમની ઈન્સ્ટા પ્રોફાઈલ સરળતાથી હેક થઈ જાય છે. આવી જ એક ઘટનામાં સુરતની એક પરિણિત મહિલા સાથે મોબાઈલ નંબરને જ પોતાના એફબી અકાઉન્ટનો પાસવર્ડ રાખવામાં જોરદાર દાવ થઈ ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, તેણે એકાઉન્ટની વિગતોમાં પણ મોબાઈલ નંબર અપડેટ કરેલો હતો.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સુરતમાં રહેતી પરિણિત જ્યોતિ (નામ બદલ્યું છે) સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવે છે. જોકે, તેની પ્રોફાઈલ પર મોર્ફ કરેલો બીભત્સ ફોટોગ્રાફ અપલોડ થતાં તેના પતિને તેની જાણ થઈ હતી. પતિએ આ અંગે જ્યોતિને જણાવતા તેને તો વિશ્વાસ જ નહોતો થયો.

જોકે, તેના પતિએ તેને પોતાના ફોનમાં બતાવ્યું હતું, કે તેની એફબી સ્ટોરીમાં તેના બીભત્સ ફોટા અપલોડ થયેલા હતા. પોતાના મોર્ફ થયેલા ફોટોગ્રાફ ફેસબુક પર જોતાં ડઘાઈ ગયેલી જ્યોતિએ તાત્કાલિક એફબી અકાઉન્ટને રિકવર કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, તેનું અકાઉન્ટ હેક કર્યા બાદ પાસવર્ડ પણ ચેન્જ કરી દેવાયો હોવાથી જ્યોતિથી તે અકાઉન્ટ રિકવર નહોતું થઈ શક્યું.

બીજી તરફ, તેના પર રહેલા મોર્ફ ફોટોગ્રાફ્સથી પોતાની બદનામી થવાનો ડર લાગતા જ્યોતિ અને તેનો પતિ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ અંગે અરજી આપી હતી. પોલીસે આ મામલે અજાણ્યા શખસ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી.

જેમાં તપાસ દરમિયાન જામનગરના એક ૧૬ વર્ષના છોકરાએ આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને છોકરાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણે લોકડાઉન દરમિયાન ભણવાનું પડતું મૂક્યું હતું, અને હાલ તે પિતાને કામમાં મદદ કરે છે.

તેણે જ્યોતિનું ફેસબુક અકાઉન્ટ ખોલીને તેમાંથી તેનો ફોન નંબર લઈ તેને પાસવર્ડ તરીકે નાખ્યો હતો, જેનાથી જ્યોતિનું અકાઉન્ટ ખૂલી ગયું હતું. અડસટ્ટે જ જ્યોતિનો પાસવર્ડ પોતાને હાથ લાગી જતાં આરોપીએ તેનો દુરુપયોગ કરીને મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સને જ્યોતિના અકાઉન્ટમાં અપલોડ કરી દીધા હતા. એટલું જ નહીં, જ્યોતિ પોતાનું અકાઉન્ટ રિકવર ના કરી શકે તે માટે આરોપીએ તેનો પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો. જેના કારણે અકાઉન્ટ હેક થયાની જાણ થયા બાદ પણ જ્યોતિ તેને રિકવર નહોતી કરી શકી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

(7:35 pm IST)