Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાજપીપળામાં નવલા નોરતામાં માતાજીની અનોખી આરાધનાઃ તલવારના દિલધડક કરતબ સાથે હરસિદ્ધિ માતાજીની યુવકોએ મહાઆરતી કરતા સૌ કોઇ મંત્રમુગ્‍ધ

દોઢ કલાક સુધી 100થી વધુ યુવકોએ સફેદ વષા અને સાફામાં સજ્જ થઇને આરતી કરી

નર્મદા: રાજપીપળામાં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવીમાં હરિસિદ્ધિ માતાજીની અનોખી આરતી રૂપી આરાધના કરવા આસો સુદ છઠની નવરાત્રીએ તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે અદભુત તલવાર આરતી કરી હતી. ત્યારે ત્યાં હાજર ભક્તો પણ આ તલવાર મહાઆરતી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

તલવારએ રાજપૂતોનું શસ્ત્ર છે. રાજપૂતોમાં તલવારબાજીની કળા દિન પ્રતિદિન વિસરાતી જાય છે. કુળદેવીની આરાધના પણ થાય, તલવારબાજીની કળા જીવંત રહે અને શસ્ત્ર વિષે આજની પેઢી માહિતગાર થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી રાજપૂત સમાજના યુવાનો વર્ષ 2014થી રાજપીપળામાં હરિસિદ્ધિ માતાજીના મંદિરે તલવાર આરતી કરે જ છે.

આ વર્ષે સતત આઠમા વર્ષે નર્મદા,ભરૂચ, વડોદરા સુરત જિલ્લાના 10 થી 40 વર્ષ સુધીના સફેદ વસ્ત્ર અને કેશરી સાફામાં સજ્જ 100 થી વધુ  રાજપૂત યુવકોએ સતત 1 કલાક 30 મિનિટ સુધી લાગલગાટ ઢોલ નગારાના તાલે રિધમમાં તલવારના દિલધડક કરતબોથી મહાઆરતી કરતા હાજર હજારો ભક્તો દંગ રહી ગયા હતા.

આ પ્રસંગે રાજપીપળાના પૂર્વ મહારાજા  રઘુવીરસિંહ ગોહિલ, મહારાણી રૂકમણી દેવી ગોહિલ યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ હાજર રહ્યા હતા. જેમ ગંગાની દીવડા આરતી વિશ્વમાં પ્રખ્યાત છે તેવી રીતે રાજપીપળામાં હરિસિદ્ધિની માતાજીની રાજપૂતોની તલવાર આરતી પણ વિશ્વ પ્રખ્યાત થઈ રહી છે.

(5:15 pm IST)