Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વડોદરામાં દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ નહીં પરંતુ ડ્રોન ત્રાટક્‍યુઃ પોલીસે પ્રથમ વખત ડ્રોનથી 10 દેશી દારૂની ભઠ્ઠીઓમાં દરોડા પાડયા

અંતરીયાળ વિસ્‍તારોમાં બુટલેગરો સામે કાર્યવાહીઃ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્‍ત

વડોદરા: પોલીસ દ્વારા આજે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી હતી. નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરો પર પોલીસે અનોખી રીતે દરોડા પાડ્યા હતા. જેના કારણે બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. સામાન્ય રીતે રેલી કે તહેવારમાં બંદોબસ્ત માટે ડ્રોન કેમેરાનો પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો કે વડોદરા પોલીસે પ્રથમવાર દેશીદારૂની ભઠ્ઠીઓ પકડવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો છે. પોલીસે વિવિધ 10 દેશીદારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન કેમેરાથી દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસની સયુંકત 5 ટીમો વહેલી સવારથી શહેરના આંતરિયાળ વિસ્તારમાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતાં બૂટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે પ્રથમવાર ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. જેમાં પોલીસે ભાલીયાપૂરા, બીલ, તલસટ, વડસર, રણોલી કોયલી, છાણીના ગ્રામ્ય વિસ્તારોમાં 10 દેશીદારૂની ભઠ્ઠીઓ ડ્રોન કેમેરાના મદદથી શોધી નાખી હતી. મોટા પ્રમાણમાં દેશીદારૂ ઝડપી પાડયો હતો. પોલીસે 113 લિટર દેશીદારૂના જથ્થા સહિત 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ દેશીદારૂની ભઠ્ઠીઓ ચલાવતાં બૂટલેગરોની શોધખોળ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છતા પણ દારૂનો વેપાર ધમધમે છે. આ દારૂના વેપારમાં દેશીદારૂનો પણ મોટો જથ્થો છે. ખાસ કરીને નદી કિનારાના અને આંતરિયા વિસ્તારો અને ખેતરોમાં બુટલેગરો દ્વારા દેશી દારૂ પાડવામાં આવતો હોય છે. જ્યાં પાણી પણ સરળતાથી મળી રહે છે આ ઉપરાંત કોઇની નજરમાં આવ્યા વગર દારૂ પણ ગાળી શકાય છે. આ ઉપરાંત જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ઝાડી ઝાંખરાઓ હોવાના કારણે છટકી જવામાં પણ સરળતા રહે છે. ગાડી અંદર આવી શકે તેમ નહી હોવાના કારણે પોલીસ આવે તો તત્કાલ નાસી જઇ શકે છે.

(5:15 pm IST)