Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય પેટાચૂંટણીમાં આપ અને કોંગ્રેસના મતના વિભાજનથી ભાજપને ફાયદોઃ ભીખાભાઈ બાંભણીયા

રાજકોટ, તા. ૧૨ :. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે કે, તાજેતરની ગાંધીનગર કોર્પો. તેમજ અન્ય તા.પં., જી.પં., ન.પા. તથા મ્યુ. કોર્પો.ની પેટાચૂંટણીઓના પરિણામો જોતા કોંગ્રેસ અને આપને જાકારો મળ્યાનું જાણવા મળે છે. સામાન્ય રીતે મોંઘવારી તેમજ અન્ય વહીવટી પ્રશ્નોને લીધે તમામ વર્ગના લોકો ભાજપથી નારાજ હોય તેવું જોવા મળે છે છતાં ગાંધીનગર મ્યુ. કોર્પો.માં ભાજપને જંગી બહુમતી મળી છે એ હકીકત છે. આપ, કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોની મત ગણતરીને ધ્યાને લેવામાં આવે તો ભાજપની વિરૂદ્ધમાં વધારે મતદારો છે તેવુ તારણ નીકળે છે, જેથી ભાજપે જનાદેશ (મતદારો) તેના તરફી છે એવું ગૌરવ લેવાની જરૂર નથી. વિરોધ પક્ષોની મુર્ખાઈનું આ પરિણામ છે.

આપ અને કોંગ્રેસના મતના વિભાજનથી ભાજપને લાભ મળ્યો છે એ હકીકત છે. સરકારના વહીવટથી દરેક સમાજના લોકો, વેપારી વર્ગ, શિક્ષિત બેકારો, દરેક ધંધાર્થી તથા કર્મચારીઓના પ્રશ્નો, મોંઘવારી તેમજ અન્ય પ્રશ્નોથી હેરાનગતી ભોગવી રહ્યા છે ત્યારે તે તરફ લક્ષ આપવાને બદલે જનઆશિર્વાદ જેવી યાત્રાના નામે અનેક વખત તાયફા કરવાથી પ્રજાને શું ફાયદો છે ? સત્તાના મદમાં ખોટા ખર્ચા કરી અને સમયની તથા પ્રજાના પૈસાની બરબાદી કરવામાં આવે છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતુ નથી.

ભીખાભાઈ બાંભણીયાએ વધુમાં જણાવ્યુ કે, રાજસ્થાન જેમ સરકાર બદલતી રહેવી જોઈએ પરંતુ ગુજરાતમાં ઘણા વરસોથી એકહથ્થુ શાસન હોવાથી સરમુખત્યારશાહી જેવો વહીવટ જોવા મળે છે. મતોનું વિભાજન ન થાય તે માટે પ્રજાના લાભાર્થે એ વિરોધ પક્ષોએ સંગઠ્ઠીત થવાની ખાસ જરૂર છે. રાજકીય નેતાઓ અંગત સ્વાર્થ કે સત્તાની લાલસામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી પ્રજાએ સહન કરવાનું રહેશે. પ્રજા તથા મતદારોએ પણ પોતાની ફરજ બજાવવામાં સભાનતા લાવી જાગૃત થવું પડશે.

(4:07 pm IST)