Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પ્રાંતવાદ હિંસામાં રૂપાણીનું રાજીનામું લેવા માટે કારસો

વિપક્ષે ટ્વિટ કરીને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યાઃ ખુદ ભાજપ દ્વારા રૂપાણીને સત્તાથી હટાવવાનું કાવતરૃં, અગાઉ આનંદીબહેન પણ રાજકારણનો ભોગ બન્યા હતા

અમદાવાદ,તા. ૧૨: હિંમતનગરના ઢુંઢરમાં ૧૪ માસની બાળકીના દુષ્કર્મ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં પરપ્રાંતીયો પર હુમલાઓ શરૂ થયાં હતાં. જેને પગલે ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને પોતાના વતનની વાટ પકડી હતી. જેને લઈને રૂપાણીને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સનસનીખેજ આરોપ લગાવીને એક ટ્વિટ કર્યું છે કે, અગાઉ જાતિવાદના નામે આનંદીબેને હોમાયા અને હવે પ્રાંતવાદનો પલીતો ચાંખીને રાજીનામું લેવા શું કામ ષડયંત્ર રચાયું ? આ ટવીટ્ સાથે ધાનાણીએ સરકાર સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઢુંઢરની ઘટના બાદ ભાજપ- કોંગ્રેસે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવાનું ચાલુ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના પર પરપ્રાંતીયો પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. જેને લઈને અલ્પેશ ઠાકોરે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા હતા.

અલ્પેશના ઉપવાસ સ્થળે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. સત્તાપરિવર્તનની આશંકા વ્યક્ત કરી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા વિજય રૂપાણીને હટાવવાનું આ કાવતરું છે.

પરપ્રાંતીયો પર હુમલો કરીને રૂપાણી સરકારને હટાવવાની આ ચાલનો સરકાર જવાબ આપે. પાટીદારો પર દંડા વરસાવીને આનંદીબહેનને દૂર કર્યા હતા અને હવે રૂપાણીનો ભોગ લેવાનો કારસો રચાયો છે. વિપક્ષના નેતાએ આ સમગ્ર મામલે સરકાર સામે સવાલ ઉઠાવી સીધો જવાબ માંગ્યો છે.

(10:18 pm IST)