Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

નડિયાદના ફતેપુરામાં અગાઉ મહિલા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 7વર્ષની સજા

નડિયાદ:તાલુકાના ફતેપુરામાં ૨૨ માસ અગાઉ છાપરાંની બહાર સૂઈ રહેલી ૪૦ વર્ષીય પરિણીત મહિલા પર રાત્રી સમયે ૩૨ વર્ષીય યુવકે મોઢું દબાવી જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ કેસ નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં મુખ્ય સેસન્સ જજે આરોપીને કસુરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા અને ૬૦૦૦ નો દંડ ફટકાર્યો છે. 
મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ફતેપુરામાં રાધરીમાતા મંદિર પાસે રહેતા ૩૨ વર્ષીય અશોકભાઈ બાબુભાઈ રાઠોડ પોતે પરિણીત અને ત્રણ પુત્રીઓનો પિતા છે. આ જ વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાના ૧૫ વર્ષ અગાઉ એટલે કે ૨૫ વર્ષની ઉંમરે નડિયાદ તાલુકાના કેરિયાવી ગામે લગ્ન થયાં હતાં. પાંચ વર્ષ સુધી સાસરીમાં રહ્યાં બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાં થતાં તે પોતાના પિયર ફતેપુરા રહેવા આવી ગઈ હતી. અને છેલ્લાં ૧૦ વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી. માવતર સાથે રહેતી આ પરિણીત મહિલા નાનું-મોટું કામ કરી પોતાની જીંદગી ગુજારતી હતી. 
આ મહિલા તા.૮-૧૨-૧૬ ના રોજ પોતાના ઘરે છાપરાંની બહાર ઓસરીમાં સૂતી હતી તે વખતે વહેલી સવારે પાંચ વાગ્યે અશોક રાઠોડ ત્યાં આવી ચઢ્યો હતો અને એકલી સૂઈ રહેલી ૪૦ વર્ષીય મહિલાની એકલતાનો લાભ લઈ તેની પાસે પહોંચી મોઢું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તીથી જાતિય અત્યાચાર ગુજાર્યો હતો અને ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે ઈપીકો કલમ ૩૭૬,૩૫૪(એ),૫૦૬(૨) મુજબ ગુનો નોંધી અશોકભાઈ બબુભાઈ રાઠોડની ધરપકડ કરી તપાસ પુર્ણ કર્યા બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના મુખ્ય સેસન્સ ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રેમ આર. તિવારીએ ૧૦ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૧૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી એવી દલીલ કરી હતી કે સમાજમાં મહિલાઓ પર જાતિય અત્યાચારના ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. માટે આવા ગુનામાં સંડોવાયેલા આરોપીને સખત સજા થશે તો જ સમાજમાં દાખલો બેસશે. ન્યાયાધીશ એલ. એસ. પીરજાદાએ આરોપી અશોક બબુભાઈ રાઠોડને ઈપીકો કલમ ૩૭૬ ના ગુનામાં કસુરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦૦૦ નો દંડ, અને જો દંડ ના ભરે તો વધુ દોઢ વર્ષની સખત કેદની સજા. જ્યારે ઈપીકો કલમ ૫૦૬(૨) ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૧૦૦૦નો દંડ. જો દંડ ના ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કર્યો છે.

(5:08 pm IST)