Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

રવિવારે અમદાવાદમાં સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલનો પ્રારંભ

દિલ વિધાઉટ બિલની સેવા વિસ્તરી : ૩૧૦ બેડની વિરાટ હોસ્પિટલનું નિર્માણઃ સરખેજ - ધોળકા રોડ પર સેવા ધમધમશે : ઉદ્ઘાટન સમારોહમાં મહાનુભાવો પધારશે : ૧ થી ૧૮ વર્ષના દર્દીઓની સારવાર - સર્જરી અમદાવાદ હોસ્પિટલમાં નિઃશુલ્ક થશે ૧૮ વર્ષથી ૫૫ વર્ષ સુધીના દર્દીની સારવાર - સર્જરી રાજકોટમાં થશે

રાજકોટ તા. ૧૧ : દિલ વિધાઉટ બિલની સેવા વિસ્તરી રહી છે. આગામી રવિવારે અમદાવાદમાં સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ભારતને હૃદયરોગ મુકત બનાવવાના ધ્યેય સાથે જરૂરીયાતમંદ દર્દીઓના હૃદયની સારવારથી માંડીને સર્જરી સુધીની સેવાનો રાજકોટમાં પ્રારંભ થયો હતો.

એક પણ રૂપિયાના બિલ વગર આંતરરાષ્ટ્રીયસ્તરની હૃદયરોગના દર્દીની સર્જરી સુધીની સારવાર અકલ્પનીય ગણાય, પરંતુ આ સેવાનો વિસ્તાર પણ અકલ્પનીય થઇ રહ્યો છે. અમદાવાદમાં સરખેજ - ધોળકા રોડ પર ૩૧૦ બેડની વિરાટ સત્ય સાઇ હોસ્પિટલનું નિર્માણ થયું છે.

આ હોસ્પિટલમાં ૧થી ૧૮ વર્ષના દર્દીઓના હૃદયરોગની સારવાર - સર્જરી વિનામૂલ્યે થશે. રાજકોટમાં ધમધમતી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના દર્દીઓની સારવાર થશે.

અમદાવાદ ખાતેની અત્યાધુનિક હાર્ટ હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૪ના રવિવારે સાંજે ૪ વાગ્યે યોજાશે. જેમાં મહાનુભાવો ઓરિસ્સાના મુખ્ય ન્યાયધીશ શ્રી કલ્પેશભાઇ ઝવેરી, બિહારના મુખ્ય ન્યાયધીશ શ્રી મુકેશભાઇ આર. શાહ, ગુજરાતના એડ્વોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદી, સિનીયર એડ્વોકેટ શ્રી સુધીરભાઇ નાણાવટી વગેરે ઉપસ્થિત રહેશે.

આ હોસ્પિટલ ભારતની હૃદયરોગના નિદાન માટે સૌથી મોટી ચેરીટેબલ હોસ્પિટલ છે. જેમાં ૩૧૦ બેડ, ૪ ઓપરેશન થિયેટર અને ૨ કેથ લેબની અદ્યતન સુવિધા છે.

આ હોસ્પિટલ જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓને સંપૂર્ણ વિનામૂલ્યે જીવન બક્ષવાનું સેવા કાર્ય શરૂ કરી રહેલ છે.

ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી કનુભાઇ પટેલ, શ્રી ગૌતમભાઇ ચોકસી, શ્રી મનોજભાઇ ભીમાણી, શ્રી કંચનભાઇ ઝવેરીના માર્ગદર્શન હેઠળ આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે.

વધારે વિગતો માટે શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, વિશ્વકર્મા મંદિરની સામે, કાસીન્દ્રા, સરખેજ - ધોળકા રોડ, અમદાવાદ ફોન : ૭૮૭૮૩ ૧૦૬૩૭નો સંપર્ક થઇ શકે છે.(૨૧.૨૬)

 

(11:51 am IST)