Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

શહેરી વિસ્તારોમાં નાગરિકની સુખાકારી-સુવિધા સલામતિ વૃધ્ધિ માટે ગૃહ-શહેરી વિકાસ વિભાગ સુદ્રઢ કાર્યસંકલન કેળવે;મુખ્યમંત્રી રૂપાણી

રાજ્યના મહાનગરોના મેયર-સ્ટેન્ડીગ કમિટી અધ્યક્ષ-કમિશનર-પોલીસ તંત્ર સાથે સી.એમ. ડેશ-બોર્ડ દ્વારા વિડીયો કોન્ફરન્સ બેઠક યોજતા વિજયભાઈ

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં નાગરિક સુખાકારી સુવિધા અને સલામતિ વૃધ્ધિ માટે ગૃહ અને શહેરી વિકાસ વિભાગ વધુ સુદ્રઢ કાર્યસંકલન કરે તે માટે સૂચનો કર્યા છે.

 આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાનગરોમાં ટ્રાફિક નિયંત્રણ માટે તેમજ પાર્કીંગ સમસ્યા નિવારવા અને અનઅધિકૃત બાંધકામો, દબાણો દૂર કરવાના કામોમાં વધુ ગતિ આવે તે આવશ્યક છે. 

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશ-બોર્ડ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજીને અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત,ભાવનગર,જામનગર, જૂનાગઢ,ગાંધીનગર મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડીગ કમિટિના અધ્યક્ષો તેમજ મ્યુનિસિપલ કમિશનરઓ અને શહેર પોલીસ વડાઓ સાથે શહેરી સુખાકારી કાર્યોની, નાગરિક સલામતિ સુરક્ષાની ગહન સમીક્ષા કરી હતી.

તેમણે કહ્યું કે, મહાનગરોમાં મુખ્ય માર્ગો સહિત જ્યાં જ્યાં સીસીટીવી નેટવર્ક અન્વયે કેમેરા ગોઠવાયેલા છે તેની ચુસ્ત નિગરાની,મોનિટરીંગ,માહિતી આદાન-પ્રદાન માટે શહેર પોલીસતંત્ર અને મહાપાલિકા તંત્ર વચ્ચે વધુ સંગીન સંકલન બને. ટ્રાફિક સિગ્નલોની મરામત, બંધ પડેલા હોય તો ત્વરાએ શરૂ થાય વગેરે બાબતો અંગે પણ તેમણે તાકીદ કરી હતી.  

  મુખ્યમંત્રીએ મહાનગરોમાં માર્ગો-રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે અડચણ ઊભી ન થાય, અકસ્માત ન થાય તે માટે મહાનગરોની નજીક માલધારી વસાહતો ઊભી કરવા તેમજ આ વસાહતોમાં ઘાસચારો, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો મળી રહે તેવી વ્યવસ્થાને વધુ ઝડપે ગોઠવવા સુચવ્યું હતું. 

મુખ્યમંત્રીએ મહાનગરોમાં ગંદા પાણી-વપરાયેલા પાણીને રિસાયકલીંગ દ્વારા રિયુઝ પૂન:વપરાશમાં લઇ શકાય તે માટે ડ્રેનેજના પાણીને એક STPમાં કનેકટ કરી શુધ્ધિકરણ કરવાની ટેકનોલોજીના વધુ ઉપયોગ માટે પ્રેરણા આપી હતી. 

તેમણે આગામી ઊનાળામાં મહાનગરોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અત્યારથી જ પાણીની સ્થિતીનો અને ભાવિ વપરાશનો કયાસ કાઢી આગોતરાં આયોજનની હિમાયત કરી હતી. 

વિજયભાઇ રૂપાણીએ આ મહાનગરોમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ અમદાવાદની જેમ E-ચલનથી દંડ વસુલવાની કાર્યવાહીમાં ઝડપ લાવવાની શહેર પોલીસ તંત્રવાહકોને સૂચનાઓ પણ આપી હતી. 

  મુખ્યમંત્રી સાથે આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા,મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજકુમાર દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 
(8:47 pm IST)