Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

મુખ્યમંત્રીમાંથી ફરીવાર નામ કપાતા નીતિનભાઈ પટેલ નારાજ : કમલમમાંથી ઝડપથી બહાર નીકળી ગયા : કઈ પણ કહેવા ઇન્કાર

આગામી દિવસોમાં ભારે નવાજૂની થાય તેવા એંધાણ: કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાઈ શકે

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવતા જેમનું નામ સૌથી ટોપ ઉપર હતું તેવા નાયબ મુખ્યમંત્રી નારાજ થયાનું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે નીતિનભાઈ પટેલને ફરીથી સાઈડલાઈન કરવામાં આવતા તેઓની નારાજગી આજે કમલમમાં સ્પષ્ટ જાેવા મળી હતી. સવારે જ તેઓ નિવેદ આપી ચૂક્યા હતા કે, ગુજરાતનો મુખ્યમંત્રી એવો હોવો જાેઈએ જેણે ગુજરાતની જનતા જાણતી હોય. આ નિવેદનથી કદાચ એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે, મુખ્યમંત્રીની રેસમાંથી તેમનું નામ બાકાત થઈ ગયું હતું. ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ નીતિનભાઈ પટેલ કમલમમાંથી ઝડપથી બહાર  નીકળ્યા હતા અને બોલ્યા હતા કે, ગાડી ક્યાં છે. આ સમય દરમિયાન પત્રકારોએ તેમણે પૂછ્યું ત્યારે તેમણે એટલું કહ્યું હતું કે, અત્યારે મારે કંઈ કહેવાનું નથી. નીતિનભાઈ  પટેલની નારાજગી સ્પષ્ટ જાેઈ શકાતી હતી. સતત ત્રીજીવાર નીતિનભાઈ  પટેલને સાઈડલાઈન કરવામાં આવ્યા છે જેથી આગામી દિવસોમાં ભારે નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

નીતિનભાઈ  પટેલનું મુખ્યમંત્રી તરીકે નામ ચર્ચામાં હતું પરંતુ છેલ્લી ઘડીએ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરાતાં નીતિનભાઈ  પટેલનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું હતું. અગાઉ ૨૦૧૬માં પણ વિજયભાઈ  રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા અને નીતિનભાઈ  પટેલના નામ ઉપર હાઈકમાન્ડે ચોકડી મારી દીધી હતી. હવે ૨૦૧૭માં પણ જ્યારે રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે તેવી પ્રબળ શક્યતાઓ હતી કેમ કે, તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને નંબર ટુનું સ્થાન ભોગવતા હતા. તેઓ ૧૯૯૦થી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. નીતિનભાઈ પટેલ અનુભવી હોવા છતાં પણ હાઈકમાન્ડની નજરમાં વસી શક્યા નથી તેના કારણે તેમને મુખ્યમંત્રી પદથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થયા બાદ નીતિનભાઈ  પટેલની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હતી અને બેઠક પૂરી થયા બાદ ફટાફટ બહાર નીકળી ગયા હતા અને ગાડી ક્યાં છે કહી ગાડી તરફ રવાના થયા હતા. આ સમયે પત્રકારોએ તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ એટલું જ બોલ્યા હતા કે, અત્યારે મારે કંઈ કહેવાનું નથી. આમ કહીને તેઓ નારાજ થઈને ચાલી નીકળ્યા હતા. નીતિનભાઈ  પટેલની બોડી લેંગ્વેજ સ્પષ્ટ કહી જતી હતી કે, તેઓ હાઈકમાન્ડના આ નિર્ણયથી ખુશ નથી અને તેમની નારાજગી ચહેરા ઉપર જણાઈ આવતી હતી. નીતિનભાઈ  પટેલ અગાઉ પણ બે વાર મુખ્યમંત્રીની ગાડી ચૂક્યા હતા અને આજે ત્રીજીવાર મુખ્યમંત્રી પદ મળશે તેવી પ્રબળ આશા હતી પરંતુ તેમની આશા ઉપર ઠંડું પાણી વળ્યું હતું.  

(7:10 pm IST)