Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

નર્સ યુવતીની છેડતી કરનારા મામા-ભાણેજ સામે ફરિયાદ

અમદાવાદના મેઘાણીનગરનો બનાવ : પાડોશમાં જ રહેતા મામા-ભાણેજે એસવીપીમાં નર્સિંગનું કામ કરતી યુવતીનો રસ્તામાં દુપટ્ટો પણ ખેંચ્યાનો આક્ષેપ

અમદાવાદ,તા.૧૨ : મામા હું આને બાઇક પર ઉઠાવી જઇશ, ભાણીયા આવું કહેવાનું નહીં કરીને બતાવવાનું' આવું બોલી રસ્તે ચાલતી નર્સની છેડતી કરનાર મામા-ભાણીયા સામે ફરિયાદ નોંધાઇ છે. મેઘાણીનગર પોલીસે મામલે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે રસ્તે ઉભેલી નર્સનો દુપટ્ટો ખેંચી યુવકે બિભત્સ ગાળો પણ આપી હતી. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષિય યુવતી પરિવાર સાથે રહે છે અને એસવીપી હોસ્પિટલમાં હેલ્થ કેર સેન્ટર ખાતે નર્સિંગનું કામ કરે છે અને દરરોજ સવારે થી વાગ્યા સુધી તે ફરજ પર જાય છે. તેની પાડોશમાં અવિનાશભાઇ ઉર્ફે ભેજો નટવરભાઇ પટણી અને તેના મામા દિપક ગોવિંદભાઇ પટણી રહે છે. તેઓ પાન પાર્લર ચલાવે છે. મહિના પહેલા યુવતી નોકરી જવા નિકળી હતી ત્યારે અવિનાશ રસ્તામાં મળ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, 'તુ મારી બાઇકની પાછળ બેસી જા. જોકે, યુવતીએ બાઇક પાછળ બેસવાનો ઇનકાર કરી દીધો હતો.

       ત્યારે તેણે જણાવ્યું હતુ કે, મારામાં કાંટા છે. ત્યારબાદ યુવતી રીક્ષામાં બેસી ત્યાંથી નિકળી ગઇ હતી. ત્યારબાદ એક મહિના પછી અવિનાશના મામા દિપકભાઇના પાન પાર્લર પાસેથી યુવતી પસાર થઇ રહી હતી. ત્યારે મામા-ભાણીયો ત્યાં બેઠા હતા. ત્યારે અવિનાશે મામાને કહ્યું હતું કે, હું બાઇક પર આને ઉઠાવી જઇશ. ત્યારે મામાએ જણાવ્યું  કે, 'આવું બધુ કહેવાનું હોય કરીને બતાવવાનું હોય.' આવું સાંભળી યુવતી ત્યાથી ઘરે જતી રહી હતી. દરમિયાન યુવતીના પિતાને કોરોના થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેથી યુવતી તેની ફોઇના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન થોડા દિવસ પહેલા યુવતી તેની મોટી બહેનને મળવા માટે અસારવા જઇ રહી હતી.ત્યારે અવિનાશ પાછળ બાઇક લઇને આવ્યો હતો અને દુપટ્ટો ખેંચી બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

      જોકે, તે સમયે યુવતીની મોટી બહેન ત્યાં આવતા અવિનાશ પલાયન થઇ ગયો હતો. તેથી મામલે અવિનાશ અને તેના મામા દિપકભાઇ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છેઅમદાવાદ શહેરમાં પણ લુખ્ખા તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

(7:38 pm IST)