Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આણંદના લાંભવેલ નજીક પોલીસે બાતમીના આધારે બનાવટી કોલ સેન્ટર ઝડપી પાડ્યું

આણંદ: પાસેના લાંભવેલ નજીકથી એક બનાવટી કોલ સેન્ટર પકડાયું હોવાની ઘટનાની યાદ હજી તાજી છે ત્યાં આજે વહેલી સવારના સુમારે આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલ એક બંગલામાં ઓચિંતો છાપો મારીને બનાવટી કોલ સેન્ટર ચલાવતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી લેપટોપ સહિત કુલ્લે રૂા. ૮૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સો સહિત મકાન ભાડે રાખનાર વ્યક્તિ મળી કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ એસઓજી પોલીસની ટીમ આજે વહેલી સવારના સુમારે વિદ્યાનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલ હરિદ્વાર બંગલોનું મકાન ભાડે રાખી અમદાવાદના રાજીવ દેવીચરણ શિવહરે અને કરણ રાવલ ભેગા મળી પોતાના મળતીયાઓ સાથે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમે વહેલી સવારના સુમારે મોટા બજાર વિસ્તારના હરિદ્વાર બંગલો ખાતે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં મકાનના અલગ-અલગ રૂમમાં લેપટોપ સાથે કેટલાક શખ્સો બેઠેલા હતા. જેથી અંગે પોલીસે એક શખ્સના નામ-ઠામ અંગે પૂછપરછ કરતા તે રાજીવ શિવહરે હોવાનું જાણવા મળ્યું હતું અને મકાન આશરે બે માસથી તેઓએ ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી રાજીવ દેવીચરણ શિવહરે, રહે. ગેરતપુર અમદાવાદ, પવનપુરી સ્વામીનાથપુરી રહે. વટવા અમદાવાદ, સુમીત અરિવંદભાઈ પ્રસાદ રહે. ન્યુવટવા અમદાવાદ અને અવિનાશકુમાર અનેશભાઈ ચૌધરી રહે. ન્યુવટવા અમદાવાદને ઝડપી પાડી ઘટનાસ્થળેથી લેપટોપ, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂા. ૮૪૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ચારેય શખ્સો ઉપરાંત અન્ય ભાગીદાર  અમદાવાદના કરણ રાવલ સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)