Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રખિયાલ પોલીસે બાતમીના આધારે બાયડ તરફથી આવતા ટેમ્પાને અટકાવી તપાસ દરમ્યાન 142 બોટલ દારૂ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં હાલ પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવી પરપ્રાંતમાંથી આવતા વિદેશી દારૂને પકડવા ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે રખિયાલ પોલીસે બાતમીના આધારે બાયડ તરફથી આવતા ટેમ્પોને કડજોદરા પાસે પકડયો હતો અને તેમાં તપાસ કરતાં ચોરખાનામાં સંતાડેલી વિદેશી દારૂની ૧૪૨ બોટલ કબ્જે કરવામાં આવી હતી. ચાલક એવા રાજસ્થાનના શખ્સને .૭૩ લાખના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે હાઈવે ઉપર વાહનચેકીંગ અને નાકાબંધીના પગલે બુટલેગરો દારૂની હેરફેર માટે હવે આંતરિક માગોનો ઉપયોગ કરી રહયા છે. તેમાં પણ રાજસ્થાનથી ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોમાં દારૂ પહોંચાડવા માટે હિંમતનગરના બદલે બાયડ દહેગામ માર્ગ અપનાવવામાં આવી છે. જિલ્લામાં પોલીસ આવા દારૂના વાહનો પકડવા દોડી રહી છે ત્યારે રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે બાયડ તરફથી આવતા ટેમ્પો નં.જીજે-૦૯-એયુ-૦૦૨૨ માં વિદેશી દારૂનો જથ્થો લવાઈ રહયો છે જે બાતમીના પગલે કડજોદરા પાટીયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને ટેમ્પો આવતાં તેને ઉભો રાખ્યો હતો. જેમાં સવાર રાજસ્થાન ડુંગરપુરના શખ્સ જીવણલાલ ભીખાલાલ બરંડાને ઝડપી લીધો હતો અને ટેમ્પોમાં તપાસ કરતાં પાછળના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારૂની સંતાડાયેલી ૧૪૨ બોટલ મળી આવી હતી. પોલીસે ૭૧ હજારનો દારૂ અને મોબાઈલ અને ટેમ્પો મળી કુલ .૭૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સ દારૂ કયાંથી લાવ્યો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે

(5:29 pm IST)