Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેઇઇ મેઇન્‍સ બાદ હવે જેઇઇ એડવાન્‍સમાં પણ ટોપ ઉપર આવવુ છેઃ રાજ્‍યની ટોપાર વિદ્યાર્થીની નિયતી મહેતાની ઇચ્‍છા

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે લેવાયેલી JEE મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની નિયતી મહેતા રાજ્યની ટોપર બની છે. નિયતીએ રાજ્યની ટોપર વિદ્યાર્થીની તેમજ ઓલ ઇન્ડિયા રેન્કમાં 120મુ સ્થાન હાંસલ કર્યું છે. JEE મેઈન્સના પરિણામમાં રાજ્યની ટોપર વિદ્યાર્થીની બનતા નિયતીનો આખો પરિવાર ખુશખુશ થયો છે. રાજ્યની ટોપર વિદ્યાર્થીની નિયતી મહેતાએ વાતચીતમાં કહ્યું કે, તે JEE મેઈન્સ બાદ હવે 27 સપ્ટેમ્બરે લેવાનારી JEE એડવાન્સમાં પણ ટોપ કરવા માંગે છે. 

નિયતીની ઝોળીમાં એક નહિ, અનેક સફળતા આવી છે

નિયતીનું લક્ષ્યાંક JEE એડવાન્સમાં ટોપ કરી IIT બોમ્બેમાં પ્રવેશ લેવાનો છે. JEE મેઈન્સમાં ધાર્યું પરિણામ હાંસલ કરનારી નિયતીએ અગાઉ પણ અનેક સિદ્ધી મેળવી છે. 12 સાયન્સમાં પણ નિયતીએ 99.65 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. નિયતીએ 'કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના' માં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 9મુ સ્થાન મેળવ્યું હતું. ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં નેધરલેન્ડમાં ભાગ લેવા ગઈ હતી. જ્યાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં આયોજિત 'એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડ'માં પણ ભાગ લીધો હતો. આ સાથે જ નિયતીએ Taekwondo માં બ્લેક બેલ્ટ પણ હાંસલ કર્યું છે. એટલું જ નહિ, ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલે ચેસ પણ રમી ચૂકી છે.

વેબસીરિઝથી દૂર રહીને ટોપર બન્યો હર્ષ શાહ

તો બીજી તરફ, અમદાવાદમાં JEE  નો સિટી ટોપર હર્ષ શાહ બન્યો છે. તેણે પોતાની આ સક્સેસ વિશે કહ્યું કે, મારી સફળતાનું શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપું છું. હું રોજ 10 કલાક જેટલું વાંચન કરતો હતો, ત્યારે 99.997 પર્સન્ટાઇલ મેળવ્યા છે. એક વર્ષ માટે મેં તમામ શોખનો ત્યાગ કર્યો હતો. કોમ્પ્યૂટર ગેમ અને સીરિઝથી પણ દૂર રહ્યો હતો. જોકે, હર્ષ પોતાનું ભવિષ્ય કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે ઘડવા માંગે છે. તેના માતા નીલમ બેન અને પિતા સંજય શાહ પણ તેની આ સફળતાથી ખુશ થયા છે.

(5:17 pm IST)