Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પોલીસ જવાનોને હોમ કોરોન્ટાઇનમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ મથકને કોવીડ સેન્ટર બનાવાયું

ડીજીપી આશિષ ભાટીયા- અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદમાં અનોખો પ્રયોગ : ગુજરાતમાં સૌ પ્રથમ પ્રયોગઃ પોલીસ જવાનોને સુવિધાજનક બેડ સાથે રહેવા-જમવા અને દવાઓની પણ સુવિધાઓ પુરી પાડવામાં આવશેઃ નાયબ પોલીસ કમિશ્નર અચલ ત્યાગી સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧રઃ લોકોના જાનમાલનું  રક્ષણ કરવા માટે 'ઘેર રહો અને સલામત રહો' એવી ઉકિતના બદલે જેના માટે બહાર રહી લોકોને સલામત રાખવાની વિશેષ જવાબદારી છે તેવા પોલીસ જવાનોની ફોજના  રેપીડ ટેસ્ટ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા કરાવવાના પગલે-પગલે પોલીસ જવાનોને હોમ કોરોન્ટાઇન સમયે કોઇ તકલીફ ન પડે તે માટે અમદાવાદના બાપુનગર  પોલીસ મથકના ઉપરના ભાગે રાજયના પ્રથમ હોમ કોરોન્ટાઇન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શહેરમાં અનેક કન્ટેન્મેન્ટ ઝોનમાં રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ જવાનો સ્વભાવીક રીતે સંક્રમીત થઇ રહયા છે ત્યારે  પોલીસ સ્ટાફને અલગથી રહેવા-જમવા અને ચા-નાસ્તાની દવાઓની સુવિધાઓ મળે તે માટે બાપુનગર પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે કોવીડ માટેનું હોમ કોરોન્ટાઇન સેન્ટર બનાવાયું હોવાનું અમદાવાદના ઝોન-પના સંવેદનશીલ નાયબ પોલીસ કમિશ્નર અચલ ત્યાગીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બાપુનગર પોલીસ મથક ખાતે પોલીસ જવાનો માટે ખાસ રૂમો તૈયાર કર્યા છે. જેઓને પ્રાથમીક સારવારની જરૂરીયાત છે તેવા જવાનો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે તેમ ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન અને હેડ કવાર્ટર) અજય ચૌધરી, સેકટર વડાઓ ગૌતમ પરમાર તથા આર.વી.અસારી સહીતના અધિકારીઓ પણ રસ લઇ કાર્યવાહી કરી રહયાનું સુત્રો જણાવે છે.

(12:53 pm IST)