Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જમીન વિવાદોની તપાસમાં પીઆઇ પોતાની રીતે પગલા નહિ લઇ શકેઃ અજયકુમાર તોમર

સુરત જીલ્લાના સુગર ફેકટરીના માજી ડીરેકટર અને કડવા પટેલ અગ્રણી દુર્લભભાઇ પટેલની આત્મહત્યામાં પોલીસની ભુમીકા ખુલ્યા બાદ મહત્વનો નિર્ણય : જમીન વિવાદોમાં પીઆઇએ તપાસની વિગતો એસપીને મોકલ્યા બાદ ડીસીપીને તમામ પુરાવાઓ સજ્જડ લાગશે ત્યાર બાદ જ કાર્યવાહી : ડીસીપીએ તમામ બાબતોની જાણ સેકટર વડાને કરવાની રહેશેઃ ગુજરાતભરમાં જમીન વિવાદ મામલે પોલીસની ભુમીકાઓ શંકાના દાયરામાં આવતા સુરતના પોલીસ કમિશ્નર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત અનોખો નિર્ણય : અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૧૨: સુરત જીલ્લાના સાયણની સુગર ફેકટરીના માજી ડીરેકટર અને કડવા પાટીદાર સમાજના અગ્રણી દુર્લભભાઇ ગાંડાભાઇ પટેલની આત્મહત્યામાં સુરતના રાંદલ પોલીસ મથકના પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા, માથાભારે શખ્સો અને ચોક્કસ પત્રકારોની ભુમીકામાં ખુલવાના પગલે-પગલે સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અગત્યનો નિર્ણય કરી જમીન વિવાદોની તપાસમાં પોલીસ ઇન્સ્પેકટર પોતાની રીતે ગુન્હા દાખલ કરવા, આરોપીઓ બનાવવા વિગેરે બાબતે સ્વતંત્ર નિર્ણય નહી લઇ શકે તેવો મહત્વનો આદેશ કરવા સાથે સુરત શહેરના લુખ્ખાઓને રોજે રોજ પાસામાં ધકેલી દેવાની ઝુંબેશ શરૂ કર્યાની સમગ્ર સુરત સહીત રાજયભરમાં હોટ ટોપીક બનેલી ચર્ચાને અકિલા સાથેની વાતચીતમાં અજયકુમાર તોમરે સમર્થન આપ્યું છે.

અકિલા સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે દુલર્ભભાઇ પટેલ સાથેની ઘટના ભલે શહેરી વિસ્તારમાં ન બની હોય કે પછી મારા આવ્યા પહેલાની હોય પરંતુ એક પોલીસ ઇન્સ્પેકટર બીજા કામો પડતા મુકી જમીન વિવાદોમાં પોતાની રીતે રસ લેવા માંડે તે ખુબ જ ગંભીર બાબત છે. તેઓએ જણાવેલ કે સુરતના કોઇ પણ પોલીસ ઇન્સ્પેકટર તપાસ બાદ જે નિર્ણય થયો તેની જાણ એસીપીને કરવાની રહેશે.

એસીપી પોતાના અભિપ્રાય સાથે જે તે વિસ્તારના ડીસીપીને રીપોર્ટ કરશે. ડીસીપીને તપાસ વ્યાજબી હોવાનું અને બીજા કોઇ હિત જાળવીને નિર્ણય નથી લેવાયોને ? તેની પુરતી તપાસ કર્યા બાદ જ ગુન્હો દાખલ કરવા સાથે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહીના આદેશ આપશે.  ડીસીપીએ પણ પોતે કરેલી તપાસનું તારણ સેકટર હેડને જણાવવુ પડશે. ટુંકમાં કહીએ તો રાજયભરના પોલીસ મથકોમાં જમીન વિવાદના મામલાઓ કમાઉ દિકરા જેવા બની રહયાની વ્યાપક ફરીયાદો છે તે સંદર્ભે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ગુજરાતમાં સર્વ પ્રથમ જે નિર્ણય થયો તેની વ્યાપક અસર અન્ય શહેર જીલ્લાના પોલીસ તંત્ર પર પડશે.

દરમિયાન રાજયના કાર્યદક્ષ મુખ્ય પોલીસ વડા આશીષ ભાટીયા સમક્ષ્ પણ જમીન વિવાદોમાં રાજયના ચોક્કસ જીલ્લાઓ અને શહેરોમાં પોલીસની ભુમીકા પર શંકા વ્યકત કરતી ફરીયાદો થયાના પગલે-પગલે આશીષ ભાટીયા દ્વારા પણ રાજયભરના ઉચ્ચ અધિકારીઓને જમીન વિવાદના મામલામાં ચોક્કસ એડવાઇઝરી જાહેર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહયાનુ઼ સુત્રો જણાવે છે.

દરમિયાન સુગર ફેકટરીના માજી ડીરેકટર તથા પાટીદાર અગ્રણી દુર્લભભાઇ  પટેલની ભુમાફીયાઓના દબાણથી થયેલી આત્મહત્યાની તપાસ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુખ્યમંત્રી-ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરી છે. સુરતના રેન્જ આઇજીપી રાજકુમાર પાંડીયને પણ સુરત જીલ્લા એસપી ચર્ચા કર્યા બાદ ઉષા રાડા દ્વારા પણ ખાસ તપાસ ટીમને ડીવાયએસપી રૂપલ સોલંકીના વડપણ હેઠળ રચના કરી છે. પીઆઇ બોડાણા બાબતે તેઓએ જયા જયા ફરજ બજાવી છે તે સ્થળોએથી પણ વિગતો એકઠી કરાઇ રહયાની ચર્ચા છે.

(12:52 pm IST)