Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પાટણમાં નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ

પાટણ જિલ્લામાં ફરજ દરમિયાન પૂર, અછત અને કોરોના મહામારી જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ, જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓની નિષ્ઠા અને પ્રજાના સહયોગ થકી આ બધામાંથી પાટણ જિલ્લો સારી રીતે બહાર નિકળી શક્યો : પૂર્વ કલેકટર આનંદ પટેલ: મહેસૂલી વિભાગના અધિકારીઓ અને ઓફિસર્સ કલબ દ્વારા શ્રી આનંદ પટેલને અપાઈ ભાવભીની વિદાય : નવનિયુક્ત કલેક્ટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીનું અધિકારીઓ દ્વારા અભિવાદન

પાટણ:::: જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને શ્રી આનંદ પટેલની વિદાય માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. શ્રી આનંદ પટેલે પોતાના ત્રણ વર્ષથી વધુ સમયના પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન લોકભિમુખ વહિવટ થકી લોકચાહના મેળવી હતી.

      નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.પરમારે શ્રી આનંદ પટેલને શ્રીફળ અને સાકાર અર્પણ કરી સાલ દ્વારા સન્માન કર્યું હતું અને નવા નિમાયેલ કલેક્ટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિદાય લઈ રહેલા કલેક્ટરશ્રી આનંદ પટેલે પાટણ જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમનો આ સમયગાળો તેમને જીવનભર યાદ રહેશે. પાટણ જિલ્લાના નાગરિકોએ તેમને સતત સહયોગ આપ્યો એ માટે આભાર વ્યક્ત કર્યો હતો. એમણે એ પણ જણાવ્યું કે તેમને આ ગાળા દરમિયાન પૂર, અછત અને કોરોના મહામારી જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ, જિલ્લા વહીવટી તંત્રના કર્મઠ કર્મચારીઓની નિષ્ઠા અને પ્રજાના સહયોગ થકી આ બધામાંથી પાટણ જિલ્લો સારી રીતે બહાર નિકળી શક્યો. પાટણના પાડોશી જિલ્લા બનાસકાંઠામાં જ બદલી થતા મા અંબેના આશીર્વાદથી ત્યા લોકસેવા કરવાની તક મળી છે એ વાતનો એમને હર્ષ વ્યક્ત કર્યો હતો. શ્રી આનંદ પટેલે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભળનાર શ્રી સુપ્રીતસિંઘ ગુલાટીને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી સુપ્રીતસિંઘ ગુલાટીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની વહીવટી ટીમ ખૂબ જ કાર્યક્ષમ છે જેના સાથ સહકારથી આગામી સમયમાં સૌ સાથે મળીને જિલ્લાના નાગરિકોના કલ્યાણ અને સુખાકારી માટે પ્રયત્નો કરીશું.

       કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીગણ અને કર્મચારીઓએ શ્રી આનંદ પટેલ અને શ્રી સુપ્રીતસિંઘ ગુલાટીનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કર્યું હતું. કેટલાક અધિકારીઓએ શ્રી આનંદ પટેલ સાથેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમને થયેલા અનુભવો અને તેમના માર્ગદર્શનમાં શીખેલ બાબતો વિશે વાત કરી હતી. આ પ્રસંગે શ્રી આનંદ પટેલના માતા-પિતા, એમના ધર્મપત્ની અને પુત્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારીશ્રી દલપતભાઈ ટાંક અને શ્રી અમિત પરમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ટી.સોનારા, નાયબ વન સંરક્ષકશ્રી જે.જે.રાજપૂત, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી બી.પી.ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી અલ્પેશ સાલ્વી, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, ચીફ ઓફીસરશ્રી પાંચાભાઈ માળી,  ડિઝાસ્ટર મામલતદાર શ્રી હિતેશ રાવલ, તમામ મામલતદારશ્રીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:47 pm IST)