Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કાલે રાજયના ૧૦ જીલ્લાના ર૧૪ કેન્દ્ર પર

૮૦,ર૧૯ વિદ્યાર્થી NEETની પરીક્ષા આપશે

વિદ્યાર્થીઓને માસ્ક, સેનીટાઇઝેશન અને સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા સૂચના

અમદાવાદ, તા., ૧૨: મેડીકલ સંલગ્ન કોર્સમાં પ્રવેશ માટે યોજાનારી નીટની પરીક્ષા રાજયમાં કુલ ૧૦ જીલ્લાના ર૧૪ કેન્દ્રો ઉપર ૧૩ સપ્ટેમ્બરે યોજાશે. ૮૦,ર૧૯ જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે. આ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી-દિલ્હી અને રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જરુરી તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કાળમાં યોજાતી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સંક્રમણ ના થાય તે માટે પુરતી તકેદારી લેવામાં આવશે તેવી પણ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીના સ્ટેટ કો-ઓર્ડીનેટર વિરેન્દ્ર રાવત અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. જે ૧૦ જીલ્લામાં પરીક્ષા યોજાવાની છે તેના જીલ્લા કલેકટરોને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ વ્યવસ્થા થાય તે માટે પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ જે પરીક્ષા સ્થળે પરીક્ષા આપવાના છે તે અને તેના વર્ગખંડમાં પણ સેનીટાઇઝેશન કરવા જણાવાયું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે અને બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અચૂક જળવાઇ રહે અને કોઇ વિદ્યાર્થી સંક્રમણનો ભોગ કોરોનાને લઇને ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે. તે સાથે વિદ્યાર્થીઓને જરૂર હોય તો વધારાના માસ્ક આપવાની વ્યવસ્થા કરવા માટે પણ જણાવાયું છે. થર્મલ ગન વડે શરીરનું તાપમાન માપીને જ પ્રવેશ આપવા પણ જણાવાયું છે. પરીક્ષાનું એક સેશન પુર્ણ થાય તે પછી પણ બેઠક વ્યવસ્થાનું સેનીટાઇઝેશન કરવામાં આવશે.

તે ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ના પડે તે રીતે વીજ વ્યવસ્થામાં અવરોધ ઉભો ના થાય એસ.ટી. બસ સુવિધા સુચારૂ રીતે ચાલતી રહે અને સ્થાનીક આરોગ્ય તંત્રની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્ર સાથે પણ સંકલન કરીને પરીક્ષા કેન્દ્ર ઉપર બિનજરૂરી ભીડ એકત્ર ના થાય અને વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પોલીસની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ જણાવાયું છે.

કયા જિલ્લામાં કેટલા પરીક્ષા કેન્દ્ર

અમદાવાદ

૩૯

પાટણ

૧૮

આણંદ

રાજકોટ

૩૯

ભાવનગર

૧૪

સુરત

૩૮

ગાંધીનગર

૨૦

વડોદરા

૨૦

પંચમહાલ

વલસાડ

૧૨

(11:23 am IST)