Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વલસાડ ડેપ્યુ. કલેક્ટર જ્યોતિબા ગોહિલનો સપાટો : સરકારી ઓફિસમાં જઇને જ દંડ ફટકાર્યો: ફફડાટ

સરકારી કર્મચારી જે માસ્ક ભૂલી ગયા હતા તેને જ્યોતિબા ગોહિલએ દંડ આપી કદીના ભુલે તેવી શિક્ષા આપી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાં આજરોજ સરકારી કચેરીમાં જ ડેપ્યુટી કલેક્ટરે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન માટે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે અનેક કચેરીઓમાં માસ્ક વગર કામ કરતા કર્મચારીઓને રૂ. 1 હજારનો દંડ ફટકાર્યો હતો. જેના પગલે કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. તેમના આ ચેકિંગમાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી વિભુતી સેવક ગેરહાજર જણાઇ હતી. જેને લઇ તેમણે તેમનો રિપોર્ટ માંગ્યો હતો.
  વલસાડ કલેક્ટર આર. આર. રાવલ દ્વારા સરકારી કચેરીઓમાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગના અભાવે ફેલાતો કોરોના અટકાવવા ડેપ્યુ. કલેક્ટર જ્યોતિબા ગોહિલના અધ્યક્ષ સ્થાને એક સ્ક્વોર્ડ બનાવીઆજરોજ તમામ સરકારી કચેરીમાં ચેકિંગ હાથ ધરાવ્યું હતુ. જેમાં તેમણે મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સેવા સદન એકમાં તિજોરી કચેરી, આરોગ્ય વિભાગ વગેરેની મુલાકાત લીધી હતી. જેમાં તાલુકા હેલ્થ સેન્ટરમાં જ બે કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. જેમને આડેહાથે લઇ તેમને દંડ ફટકાર્યા હતા. આ સિવાય જિલ્લા પંચાયતમાં પણ અનેક મહિલા કર્મચારી માસ્ક વિના જોવા મળતા તેમને આડે હાથે લઇ તેમની પાસેથી દંડની વસૂલાત કરી હતી.
વલસાડ ડેપ્યુ. કલેક્ટરના આ ચેકિંગના પગલે સમગ્ર સરકારી આલમમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેમાં ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિભાગના અનેક મહિલા કર્મચારીઓ માસ્ક વગર જોવા મળતાં તેમનામાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

(6:33 pm IST)