Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સરકારી વાહનમાં ૩ પોલીસ કર્મી જુગાર રમતા પકડાયા

પોલીસ કર્મીઓને રાતોરાત જામીન પણ મળી ગયા : કંટ્રોલ રૂમમાં મેસેજ કરીને જુગાર અંગેની માહિતી અપાતાં રેડ કરાઇ હતીઃએક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો

અમદાવાદ, તા.૧૨ : શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ડીસીપીના જૂના બંગલા પાસે સરકારી વાહનમાં બેસી જુગાર રમતા ત્રણ પોલીસ કર્મીઓની માધુપુરા પોલીસે ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, પોલીસની આ રેડ દરમ્યાન એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલા પોલીસ કર્મીઓ પાસેથી રોકડ રૂ. ૧૪૦૦૦ કબ્જે કર્યા હતા. જો કે, પોલીસ કર્મીઓ જુગાર રમતાં રંગેહાથ ઝડપાતાં પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા ચાલી હતી. નોંધનીય વાત તો એ હતી કે, પકડાયેલા ત્રણેય પોલીસ કર્મીઓને રાતોરાત જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, જુગાર, દારૂ કે અન્ય ગુનાઓમાં જ્યારે પોલીસ સામાન્ય જનતાને પકડતી હોય છે ત્યારે જાણે કે આતંકવાદીઓ ને પકડ્યા હોય તેમ મુદ્દામાલ સાથે આરોપીઓ સાથે તસવીરો ખેંચાવે છે અને વીડિયો ઉતારે છે. પરંતુ જ્યારે આવા જ ગુનાઓમાં કોઇ પોલીસ કર્મી સંડોવાયેલો હોય છે ત્યારે બંધ બારણે કાર્યવાહી કરવામાં આવે છે. અહીં પોલીસે મુદ્દામાલ પણ જપ્ત નથી કર્યો, તેને લઇને હવે સવાલો ઉઠી રહ્યા છે.

            આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગઇકાલે સાંજે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે, શાહીબાગ હેડક્વાર્ટરમાં જુના ડીસીપી બંગલા પાસે કારમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે માધુપુરા પોલીસે દરોડો પાડી સરકારી ગાડીમાં જુગાર રમતાં વખતસિંહ પરમાર, તલસી પટેલ (બંને. રહે. પોલીસ હેડક્વાર્ટર, નવા ત્રણ માળીયા) અને ભીખુ રાવળ (રહે. કેશવનગર )ની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્રણેય પાસેથી રોકડ રૂ. ૧૪૦૦૦ મળી આવી હતી. આરોપી પોલીસકર્મીઓ હેડક્વાર્ટર જ આવેલા જુના વાહનોમાં બેસી જુગારની પ્રવૃત્તિ કરતા હતા. સામાન્ય માણસના લાખો રૂપિયાના વાહન જપ્ત કરી લેતી પોલીસ પોતાના વાહન માટે રિપોર્ટ મંગાવે છે. મુદ્દામાલ તરીકે અન્યના વાહનો પોલીસ જપ્ત કરે છે ત્યારે પોલીસનું વાહન હોવાથી આબરૂ બચાવવા માટે પ્રયાસ કરતા હોય તેમ માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એન. રબારીએ જણાવ્યું હતું કે, સરકારી વાહનમાં જુગાર રમતા હતા. જે વાહન બાબતે એમ.ટી. વિભાગમાંથી માહિતી મેળવી તપાસ કરવામાં આવશે.

(9:13 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST