Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કલાકારોના સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલ એવોર્ડ પરત

નિલકંઠવર્ણી વિવાદમાં વધુ એક પ્રકરણ ઉમેરાયુ : માયાભાઇ આહિર, અનુભા ગઢવી અને કટાર લેખક જય વસાવડાએ પોતાને મળેલા એવોર્ડ પરત કરતાં ભારે ચકચાર

અમદાવાદ, તા.૧૨ : નિલકંઠવર્ણી વિવાદ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો અને તાજેતરના સમાધાન બાદ આ વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ મોરારિ બાપુના સમર્થનમાં હાસ્ય કલાકાર માયાભાઇ આહિરે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી મળેલો રત્નાકર એવોર્ડ માયાભાઇએ પરત કરી દીધો છે. આ સાથે કટાર લેખક જય વસાવડાએ પણ પોતાને મળેલો એવોર્ડ પરત કર્યો છે. તો, અનુભા ગઢવીએ પણ એવોર્ડ પરત કરી દેતાં હવે કલાકારો અને સાહિત્યજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે. આમ સાહિત્યકારો, પત્રકારો, લેખકો, કલાકારોને એવોર્ડ આપીને ખુશ કરવાની જે પરંપરા છેલ્લા એક દાયકાથી શરૂ થઈ છે, તેનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું ચિત્ર આજે સામે આવ્યું હતું. માયાભાઇ આહિરે જણાવ્યું હતું કે, એક બગસરાના સ્વામી વિવેક સ્વામીનું નિવેદન સાંભળ્યું હતું કે કલાકારોને મેં જાણી જોઇને નથી કહ્યું પરંતુ આ સાધુના મોઢે સારૂ ન લાગે સ્વામી. તમે જાહેરમાં કલાકાર માટે નિવેદન આપ્યું છે તે તમે જુઠુ બોલોમાં પાછું તમારે કલાકાર પ્રત્યે ભાવ હોય તો સરધારમાં અમે કલાકારોને રત્નાકર તરીકે સન્માન કર્યું. પરંતુ ગણ માટે ગવાય નહીં. અમે આ રત્નાકર એવોર્ડ પરત કરીએ છીએ. જય વસાવડાએ ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે.

             જેમાં તેઓએ જણાવ્યું છે કે, પ્રિય મોરારિબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાય અને નીલકંઠ વિવાદ બાબતે મારે જે કહેવાનું હતું એ તો સ્પષ્ટ ઓલમોસ્ટ અઠવાડિયા અગાઉ જ કહ્યું છે. પહેલ કરીએ કે એમાં બાપુ સાચા છે. કાલકૂટ વિષ પીને પણ એને પેટમાં નાખી પોતાના ભીતર નુકસાન ન થવા દે, બહાર કાઢી જગતને નુકસાન ન થવા દે એમ ધારણ કરવાથી જેનું ગળું ભૂરું થયું એ શબ્દશઃ બધા બાપના બાપ એવા ભોળાનાથ દાદા નીલકંઠ. સમુદ્રમંથનની એ સિમ્બોલિક કથા વિશ્વવ્યાપી છે. થાઈલેન્ડના સ્વર્ણભૂમિ એરપોર્ટ પર પણ એનું ભવ્ય શિલ્પ છે. વાત તરીકે એ સદીઓ જૂની છે અને નીલકંઠ શબ્દ સાથે મૂળ આસ્થા સનાતન ગણાતા ભારતની શિવ માટે જ હોય, જેનો તદ્દન મફ્તમાં ઘરની ટબૂડીમાં જળ ભરીનેય ગમે ત્યારે કોઈ પણ શિવમંદિરે જેણે શ્રદ્ધા હોય એ અભિષેક કરે એ પરંપરા પણ પ્રાચીન છે. બાપુ એમની સહજ હળવાશ સાથે, એમની સ્પેસમાં એ ભારતીય દર્શનમાં આદિઅનાદિ રૂપે સહુના બાપ ગણાતા, સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ રુદ્ર રૂપે નિરુપિત સનાતન મહાદેવ બાબતે જ આસ્થા દ્રઢ કરે તો એમાં કશું જ ખોટું નથી. એ મહાદેવની માત્ર નામને લીધે સમાન હોવાની સરખામણી પણ કોઈ આદરપાત્ર, સુધારક, ભક્ત, સંત સાથે ન હોય. બાપુના એક બે વાક્યોના દિવસો બાદ રહસ્યમય રીતે અચાનક જે અમુક ઉગ્ર વિરોધ એમના માટે થયો એમાં આરંભે બગસરાના એક સ્વામીનારાયણ સાધુએ તોછડાઈથી એમને માટે ઉચ્ચારેલા અણછાજતા અવિવેકી શબ્દો ઉપરાંત પ્રધાન સૂરમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવપીઠ સંચાલિત સ્વામીનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજી પણ બોલ્યા છે.

             એમનો લાંબો વીડિયો જોયો છે. એમણે કહ્યું કે એમણે ભૂતકાળમાં મોરારિબાપુને આદર આપ્યો છે, એ તો મોરારિબાપુએ પણ બધા તરફ આદર આપે જ છે એમ શ્રી સહજાનંદ સ્વામીને આદર આપેલો જ છે, એવું મારી સ્મૃતિમાં છે. મેં પોતે તો સ્પષ્ટ અગાઉ કહ્યું જ છે, કે સ્વામીનારાયણ સંપ્રદાયની અમુક બાબતો મને ઉત્તમ લાગી એ જાહેરમાં વખાણી જ છે, ન ગમી એની ટીકાય કરી છે. અને અમુક પૂજનીય સંતો સાથે સંવાદ રહ્યો છે અને એ માટે પરસ્પર સ્નેહાદર પણ છે જ. આ બાબતમાં કોઈ ડબલ ઢોલકીની વાત જ નથી. કારણ કે આ વાત હું છુપાવતો નથી, પહેલેથી એ કહેવા બાબતે પ્રામાણિક છું. મારા માટે દુનિયા બહુરંગી છે. બ્લેક એન્ડ વ્હાઈટના વોટરટાઈટ વાડા નથી.

રત્નાકર એવોર્ડ મને આપવા માટે સંસ્થાનો ખાસ તો હરદેવભાઈનો આભાર. પણ અત્યારે મને એ રાખવો યોગ્ય નથી લાગતો. મને કોઈએ કહ્યું નથી, પણ સ્વેચ્છાએ મારો રત્નાકર એવોર્ડ ધનરાશિ સહિત સવિનય હું મોરારિબાપુના સમર્થનમાં પરત કરું છું. આ જ પ્રકારે અનુભા ગઢવી અને જય વસાવડાએ પણ પણ પોતાને મળેલા એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ફરી એકવાર ગરમાયો છે.

(8:36 pm IST)