Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નર્મદાની સપાટી ૧૩૭.૦૮ મીટરે પહોંચતાં તંત્ર એલર્ટ

ભરૂચના કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર : ડેમથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ : ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૪૪ ગામડાઓ પર સંકટ યથાવત

અમદાવાદ, તા.૧૨ : સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને પગલે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૪૪ જેટલા ગામો પર સકંટ સર્જાયુ છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓની સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગોલ્ડન બ્રિજની સપાટી હજુ ૩૧.૨૫ ફૂટે સ્થિર છે. જેને લઇને હજુ પૂરનું સકંટ યથાવત છે. જેથી તંત્ર અને સ્થાનિક લોકો ચિંતામાં મૂકાયા છે. બીજીબાજુ, નર્મદા ડેમની સપાટી સૌપ્રથમવાર ૧૩૭.૦૮ મટરથી ઉપર પહોંચતાં તંત્ર એલર્ટ થઇ ગયુ છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ ૭.૯૨ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે નર્મદા ડેમની સપાટી વધીને ૧૩૭.૦૮ મીટરે પહોંચી ગઇ છે.

            હાલ નર્મદા ડેમના ૨૪ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલીને ૭.૬૨ લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. અને નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંકટ ઉભુ થયું છે. જેથી કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. જેને પગલે લોકો હાલ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલાં પાણીના કારણે નર્મદા નદી ૩૧.૨૫ ફૂટે વહી રહી છે. જેના કારણે નદીના પ્રવાહે તારાજી સર્જવાનું શરૂ કરી દીધું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, અંક્લેશ્વર તેમજ ભરૂચ તાલુકાના નર્મદા કાંઠાના ગામો તેમજ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો પુરથી પ્રભાવિત થતાં બે દિવસમાં પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અને ડેમમાં હાલ ૫૩૦૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

(8:34 pm IST)