Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ અમદાવાદના પેથાપુર પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયો

અમદાવાદઃ 'ઢબુડી માતા' ઉર્ફે ધનજી ઓડ બુધવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવા માટે હાજર થયો હતો. ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું.

પોલીસે નોટીસ ફટકારી હોવા છતાં ધનજી ઓડ છેલ્લા કેટલાક દિવસથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, પોલીસની ભીંસ વધી જતાં આખરે બુધવારે મોડી રાત્રે ધનજી પેથાપુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો. ઢોંગી ધનજી ઓડ મોડી રાત્રે એટલા માટે પોલીસ સ્ટેશને હાજર થયો, જેથી તેના કાળા કરતુતો તેનાં ભક્તો સામે ઉઘાડા ન પડી જાય.

ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ છેલ્લા બે વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી બેસાડી પોતે ઢબુડી માતા હોવાની વાત કરી લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો. તેના આ ઢોંગી દરબારમાં અનેક પોલીસ કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને નેતાઓ પણ હાજરી આપતા હતા. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડનો પર્દાફાશ થઈ જતાં તે છેલ્લા કેટલાક દિવસથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો.

બોટાદના રહેવાસીએ કરી હતી ફરિયાદ

ધનજી ઓડ સામે બોટાદના રહેવાસી ભીખાભાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, "ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે કેન્સરગ્રસ્ત એવા તેમના પુત્રની કેન્સરની દવા બંધ કરી દેવા જણાવ્યું હતું. ધનજી ઓડે દાવો કર્યો હતો કે, તેના આશિર્વાદથી તેમનો પુત્ર સાજો થઈ જશે. ધનજીના કહેવાથી તેમણે કેન્સરની દવા બંધ કરી દીધી હતી. બાદમાં તેમના પુત્રનું મોત થઈ ગયું હતું. આથી, તેમના પુત્રના મોત માટે ધનજી ઓડ જવાબદાર છે." 

પેથાપુર પોલીસ ધનજી ઓડની અરજીના આધારે ફરિયાદ દાખલ કરીને ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને તેનું નિવેદન લેવા પહોંચી હતી. જોકે, તે પહેલાં જ પોતાના કરતૂતો બહાર આવી જતાં ધનજી ઓડ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ધનજી ઓડના કરતુતોનો પર્દાફાશ થયા પછી તેના ઢોંગ અને ધતીંગના અનેક વીડિયો બહાર આવ્યા હતા.

(5:19 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST