Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સુરતમાં ફરી સામુહિક દિક્ષા યોજાશેઃ ૧૮ મુમુક્ષુઓનો ડિસેમ્બરમાં ''પ્રભુ પંથોત્સવ''

સુરત,તા.૧૨: અનેક સામુહિક દીક્ષાઓ બાદ દીક્ષા નગરીનું વિરૂદ મેળવી ચુકેલી સુરત નગરીમાં ફરી એકવાર સામુહિક દીક્ષાની શરણાઇ ગૂંજી ઉઠી છે. જેમની અધ્યાત્મ વાણીથી ૪૫-૪૫ અને પછીના બે વર્ષમાં ૩૬-૩૬ મુમુક્ષુઓ સુરતમાં દિક્ષિત થઈ ચૂકયા છે તેવા જિન યોગની નિશ્રામાં જ ફરીવાર તાપી તટે તા.૨જી ડિસેમ્બરે દીક્ષા ઉત્સવના અજવાળા થશે. જે માટે ૧૮ દીક્ષાર્થીઓને બુધવારે મુર્હૂત અપાયા હતા.

સૂરિશાંતિના ચરમ પટ્ટધર મોક્ષમાર્ગ મસિહા જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા દીક્ષાધર્મનાયક જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજી મહારાજાનું હાલ સુરતનાં પાલમાં શાંતિવર્ધક જૈનસંઘમાં ચોમાસુ છે. આ બંને આચાર્યો'જિન-યોગ'ની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા ૧૮ દીક્ષાર્થીઓ સંસાર ત્યાગ કરીને સંયમ માર્ગે જવા કટીબદ્ઘ બન્યા છે. આ તમામને બુધવારે દીક્ષામુહૂર્ત અપાયુ હતું. આ અવસરે પ.પૂ. આ. ભ. સોમસુંદરસુરીશ્વરજી મ. શ્રી શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મ.,શ્રી યોગતિલક સુરીશ્વરજી મ., આદિ સુરીરામ તથા સુરિશાંતિ સમુદાયના ૩૫૦થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રા પ્રદાન થઇ હતી.

આ દીક્ષા ઉત્સવને પ્રભુ પંથોત્સવ નામ આપવામાં આવ્યુ છે. પ્રવ્રજયા પર્વે દીક્ષાર્થીઓના બહુમાન થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના રવિન્દ્રભાઇ સીએ તથા નયસાર શાહે કર્યુ હતું. સંગીતમાં વિરલભાઇ સુરાના અને દેવેશે સૌને ડોલાવ્યા હતાં. આ ૧૮ દીક્ષાર્થીઓમાં ૧૨ વર્ષથી લઇને ૪૨ વર્ષના મુમુક્ષુઓ છે. જેમાં સુરતના સાત દીક્ષાર્થીઓ છે.

૧૮ દીક્ષાર્થીઓમાં મુંબઇનું એક આખુ ફેમિલી દીક્ષા ગ્રહણ કરશે. જેમાં વિપુલભાઇ શેઠ અને તેમની પત્ની નિપુણાબેન તથા બંનેના બે સંતાનો ૧૩ વર્ષની હીરકુમારી અને ૧૨વર્ષનો જિનાર્થ છે. આ સિવાય પાલડીની નિરાગી તથા યશ્વી દોશી સગી બહેનો સંગાથે સંયમમાર્ગે જશે.

જૈનોના છેલ્લા ૫૦૦ વર્ષના ઇતિહાસમાં ઇડર બાદ સૌથી વધુ દીક્ષા કયાંય થઈ હોય તો તે છે સુરત શહેર. વર્ષ ૨૦૧૪માં  ડિસેમ્બર મહિનામાં ૪૫ મુમુક્ષુઓએ સુરતમાંથી સંયમની વાટ પકડી હતી. જયારે ડિસેમ્બર ૨૦૧૬માં ૩૬ દીક્ષાર્થીઓએ સુરતમાં સંયમ સ્વીકાર્યો હતો. હવે ૨૦૧૯માં હાલ તો ૧૮ દીક્ષાર્થીઓ વૈરાગ્યની વાટ માટે તૈયાર છે.

(3:41 pm IST)