Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પાટીદારો ઉપર દમન કેસમાં હાર્દિક પટેલને પૂંજ કમિશન સમક્ષ હાજર થવા નોટીસ

અમદાવાદ, તા. ૧૨ :. પાટીદાર અનામત આંદોલન અંતર્ગત અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તા. ૨૫ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ વિશાળ જનસભા યોજાઈ હતી. ત્યાર બાદ ફાટી નીકળેલા તોફાનોમાં પાટીદારો પર દમન થયું હતું. આ મામલે તપાસ કરવા ગુજરાત સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. ત્યારે પૂંજ કમિશનરે પાટીદારો ઉપર દમન કેસમાં પાટીદાર અનામત આંદોલનના તત્કાલીન નેતા હાર્દિક પટેલને કમિશન સમક્ષ જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.

તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ હાર્દિક પૂંજ કમિશન પાસે જવાબ આપવા જશે. પ્રાપ્ત વિગતો મુજબ પાટીદારો પર દમન કેસમાં તપાસ કરી રહેલા પૂંજ કમિશને પાટીદાર નેતા હાર્દિક પટેલને તા. ૧૬ સપ્ટેમ્બરે કમિશન સમક્ષ અચુક હાજર રહેવા નોટીસ આપી છે. તપાસ પંચ દ્વારા હાર્દિક ઉપરાંત પાટીદાર અનામત સમિતિ સાથે જોડાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતના આગેવાનોને પણ નોટીસ પાઠવી છે. કમિશને ચિરાગ પટેલને તા. ૨૧ સપ્ટેમ્બરે હાજર રહેવા કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભા બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નિકળ્યા હતા. દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સહિત અનેક સ્થળોએ પોલીસે પાટીદારો ઉપર દમન કર્યુ હોવાની ફરીયાદ ઉઠી હતી. એટલે આ મામલે તપાસ કરવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં હાઈકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી. આ તપાસ પંચની તા. ૩૦ સપ્ટેમ્બરે મુદત પુરી થઈ રહી છે. એટલે આ કેસમાં બાકી લોકોના જવાબ મેળવવા માટે કમિશને તજવીજ હાથ ધરી છે. હવે તા. ૩૦ સપ્ટેમ્બર બાદ પૂંજ કમિશન રાજ્ય સરકારને પોતાનો  અહેવાલ આપશે.(૨-૧૦)

(1:06 pm IST)