Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની જઈને હાઇકોર્ટમાં પડકાર :પિટિશન દાખલ

ઉમેદવારી પત્રમાં તેમણે વધારાનું સોગંદનામું નથી કર્યું.: નિરુપમાબેન માધુનો દાવો

અમદાવાદ : રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની જીતને પડકારતી પિટિશન હાઇકોર્ટમાં નિરુપમાબેન માધુએ કરી છે. પિટિશનમાં નિરુપમાબેને દાવો કર્યો છે કે 2019માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા સીટ પર પરબતભાઈ પટેલની જગ્યાએ તેમને વિજયી જાહેર કરવામાં આવે. પિટિશનમાં તેમણે દાવો કર્યો છે કે પરબતભાઈ પટેલ તથા અન્ય તમામ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ઉમેદવારીપત્રો ખામીવાળા છે. જેમાં પરબતભાઈ પટેલના ઉમેદવારી પત્રમાં તેમણે વધારાનું સોગંદનામું નથી કર્યું.

તેમના જણાવ્યા પ્રમાણે સરકારી રહેઠાણ નો કબજો ધરાવનાર ઉમેદવાર તરીકે વીજળી, પાણી, બિલ જે એજન્સીઓને ચૂકવવાના હોય તે એજન્સીઓ પાસેથી ના લેણાં સર્ટીફીકેટ લાવીને વધારાનું સોગંદનામું નોટરી પબ્લિક કે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કે ઓથ કમિશનર પાસે કરાવીને વધારાના સોગંદનામાં સાથે તેમના ઉમેદવારીપત્ર ની સાથે ના લેણાં સર્ટીફીકેટ રજુ કરવા જરૂરી છે. જે ઉમેદવારને આ લાગુ ન પડતું હોય તેમણે વધારાનું સોગંદનામું કરવું જરૂરી છે, જેમાં તેમણે એવું જણાવવાનું હોય છે કે અમો સરકારી આવાસ ધરાવતા નથી અને આવું વધારાનું સોગંદનામું ફરજિયાત કરીને તેમના ઉમેદવારીપત્રની સાથે રજૂ કરવું જરૂરી છે.

આ ચૂંટણીમાં કુલ 33 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી નિરુપમાબેન સિવાય ના અન્ય 32 ઉમેદવારોએ વધારાનું સોગંદનામુ કરેલ નથી. આથી નિરુપમાબેન સિવાયના તમામે તમામ 32 ઉમેદવારોના ઉમેદવારી પત્રો ખામીયુક્ત છે અને ભારતના સંવિધાનના આર્ટીકલ -84(એ)ની જોગવાઈઓ ના સોગંદ/પ્રતિજ્ઞા ભારતના સંવિધાનની ભાષા અંગ્રેજીમાં, ભારતની ઓફિસીયલ ભાષા અંગ્રેજી ભાષામાં લેવા ફરજિયાત છે જે બાકીના 32 ઉમેદવારોએ અંગ્રેજી ભાષામાં સોગંદ/પ્રતિજ્ઞા કર્યા નથી અને ગુજરાતી ભાષામાં સોગંદ પ્રતિજ્ઞા લીધા છે. સોગંદ/પ્રતિજ્ઞા એ સંવિધાનના છે અને સંવિધાન માટે ગુજરાતી ભાષા બાકાત છે,

આથી તમામ 32 ઉમેદવારોએ સંવિધાનના આર્ટીકલ 84 (એ)મુજબ ગુજરાતી ભાષામાં લીધેલ સોગંદ/પ્રતિજ્ઞા લાયકાત વિનાના,અધુરી વિગતો વાળા અને ખામીવાળા છે તેથી ગેરકાયદેસર અને નિયત નમુના વિરુદ્ધ છે. આ અંગે નિરુપમા બેને જે તે સમયે ચૂંટણી અધિકારી સમક્ષ મૌખિક તથા લેખિત બન્ને રીતે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાકીના તમામ 32 ઉમેદવારોના ઉમેદવારીપત્રો ખામીવાળા હોઇ તેને રદ કરવાં તથા બીજું કોઈ હરીફ ઉમેદવાર ના હોવા થી નિરુપમાબેનને બિનહરીફ વિજેતા જાહેર કરવા. પણ જે તે ચૂંટણી અધિકારીએ તેમની વાંધા અરજી નામંજૂર કરેલી આથી આ અંગે દાદ માંગતી પિટિશન તેઓએ હાઇકોર્ટમાં કરી છે. આ પિટિશન ની વધુ સુનવણી 13 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

(12:24 pm IST)