Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલીની કાર્યવાહી ગતીમાં

કેન્દ્રીય નેતાગીરીના વિશ્વાસુ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને સુરત સીપી બનાવવા આડેની અડચણ દુર થઇ? બે આઇજીને એડીશ્નલ ડીજીપી બનાવવાનો ડીપીસી દ્વારા નિર્ણયઃ રાજકીય રીતે મહત્વના મનાતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને આઇબી વડા માટે મનોજ શશીધરનું નામ મોખરે

રાજકોટ, તા., ૧રઃ એક યા બીજા કારણોસરથી લાંબા સમયથી આઇપીએસ કક્ષાના ટોપ ટુ બોટમ અધિકારીઓની બદલી-બઢતીઓ વિલંબમાં પડી હતી, તેવી ફાઇલને  હવે ગતિ આવ્યાનું ટોચના સૂત્રો જણાવી રહયા છે. અત્રે યાદ રહે કે સુરતના પોલીસ કમિશ્નરનું પદ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના વડાનું સ્થાન, આઇબી વડાનું સ્થાન વિગેરે બાબતે પોષ્ટીંગમાં ચોક્કસ બાબતે મથામણ હતી જેનો ઉકેલ આવી ગયાનું પણ બહાર આવ્યું છે.

સૌ પ્રથમ સુરતના પોલીસ કમિશ્નર પદની વાત કરીએ તો સુરત એ ગુજરાતનું આર્થિક પાટનગર છે, અહીં પરપ્રાંતીયોની વસ્તી ખુબ જ મોટી છે. આવા વિસ્તારોમાં ગુન્હાખોરી કંટ્રોલ કરાવવાની કામગીરી પણ કપરી છે. વિવિધ ઉદ્યોગો અહીં આવેલા છે. મુંબઇ શહેર નજીક હોવાથી અંધારી આલમનો સંપર્ક પણ આ શહેર સાથે છે. આ જગ્યા પર એડીશ્નલ ડીજી કક્ષાના કેટલાક સિનીયર અધિકારીઓના નામો હતા. સૂત્રોના કથન મુજબ આ પોષ્ટીંગ અમિતભાઇ દ્વારા થવાનું હોવાથી વર્ષોથી તેમના વિશ્વાસુ અને ગુપ્તચર બ્યુરોમાં ૪ વર્ષથી ફરજ બજાવતા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને વફાદારીના ઇનામ સ્વરૂપે આ સ્થાન આપવાનું મહદઅંશે નક્કી છે.

રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ હાલમાં આઇજી કક્ષાના અધિકારી છે. સુરતના ઇતિહાસમાં કોઇ ગુજરાતી અધિકારી સીપી પદે આવ્યા નથી બીજુ શ્રી બ્રહ્મભટ્ટ આઇજી કક્ષાના અધિકારી છે. આ સમસ્યા હલ કરવા માટે ગૃહ મંત્રાલયે તાજેતરમાં ડીપીસી બોલાવી શ્રી બ્રહ્મભટ્ટ અને રાજુ ભાર્ગવ (ડેપ્યુટેશન)ને એડીશ્નલ ડીજી બનાવવાનું નક્કી કરી લીધાનું બહાર આવ્યું છે. આનો મતલબ શ્રી બ્રહ્મભટ્ટની લાઇન કીલીયર થઇ ગઇ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના વડાનું સ્થાન પણ ખુબ જ મહત્વનું અને રાજકીય રીતે ખુબ જ અગત્યનું છે. જે.કે.ભટ્ટ નિવૃત થયા બાદ આ સ્થાન ખાલી છે. હાલમાં ટ્રાફીકના જોઇન્ટ પોલીસ કમિશ્નર (અમદાવાદ) જે.આર.મોથલીયા પાસે ચાર્જ છે. આની સાથોસાથ આખા રાજયમાં રાજકીય પ્રવૃતિ કઇ રીતે ચાલે છે? કોણ કેવા-કેવા ખેલ કરે છે? તેની તમામ અપટુડેટ  માહિતી અનઓફીશ્યલ રીતે દિલ્હી સુધી મળે  તે માટે આઇબી વડા પણ દિલ્હીના વિશ્વાસુ જોઇએ.

આ બંન્ને જગ્યાઓ પર કોઇ સક્ષમ, કડક કાયદાના જાણકાર અને સારી છાપ ધરાવતા અધિકારી હોવા પણ એટલા જ જરૂરી છે. ઉકત બંન્ને સ્થાન માટે રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને કડક હાથે કામ લેવા માટે જાણીતા મનોજ શશીધર નામના અધિકારીનું નામ મોખરે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રહી ચુકેલા મનોજ શશીધરને આ સ્થાને નિમણુંક આપવી હોય તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડાનું સ્થાન સ્પેશ્યલ પોલીસ કમિશ્નરનું અપગ્રેડ કરવુ પડે, એ વાત જાણીતી છે કે મનોજ શશીધર એડીશ્નલ ડીજીપી કક્ષાના અધિકારી છે. ડીપીસી થયાનો મતલબ આઇપીએસ કક્ષાની બઢતી-બદલીની કાર્યવાહી ગતીમાં છે નવાઇની વાત એ છે કે ખુબ જ આકર્ષણરૂપ મનાતી રેન્જ વડાની જગ્યાએ ફરજ બજાવતા અફસરોને પણ ગમે તે કારણોસર બદલવું છે. એસપી કક્ષાએ પણ બનાસકાંઠા, પાટણ જીલ્લાની ખાલી જગ્યા સહિતના અન્ય કેટલાક જીલ્લાઓમાં  પોલીસ વડાઓને બદલવાની કવાયત આખરી તબક્કામાં પહોંચી ગઇ છે.

(12:19 pm IST)