Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

થરાદ પંથકમાં ચક્રવાતથી ૧૮ વિજથાંભલા ધરાશયી : અનેક ગામોમાં અંધારપટ છવાયો

થરાદ ડીસા રોડ પર બાવળનું તોતીંગ ઝાડ તુટતાં દોઢ કલાક સુધી ટ્રાફિક જામ

 

થરાદ પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે થરાદ વાવના ચોક્કસ પટ્ટામાં પુર્વથી પશ્ચિમ વિસ્તારમાં ચક્રવાત પસાર થયું હતું. પવનની તીવ્રતા એટલી હદે હતી કે થરાદ નગરમાં ૨૦થી વધારે અને થરાદ ડીસા તથા વાવ રોડ સહિત હાઇવે પર ૪૦થી વધારે લિમડા અને બાવળનાં વૃક્ષો મકાનો અને દિવાલો પર ધરાશયી થવા પામ્યાં હતાં.

  વિજકંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે નગરમાં નવ અને ગ્રામ્ય વિસ્તારોમાં નવ મળીને ૧૮ વિજળીના થાંભલા અને ઠેકઠેકાણે વિજવાયર તુટી પડ્યા હતા. તેમ છતાં પણ અપવાદરૂપ કિસ્સાઓમાં વિજપ્રવાહ ચાલુ રહેતાં રહીશોના જીવ ફફડી ઉઠ્યા હતા

   . અંગે વિજકંપનીને જાણ કરવા ફોન કરતાં અધિકારી કર્મચારીઓ ફોન નહિ ઉઠાવતાં રોષની લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોના છતનાં પતરાં તુટવાના બનાવો પણ બન્યા હતા.

   થરાદ ડીસા રોડ પર બાવળનું તોતીંગ ઝાડ તુટતાં દોઢ કલાક સુધી ટ્રાફિક જામ થતાં બંન્ને બાજુ પાંચ પાંચ કિમીની વાહનોની કતારો જામી હતી. મલુપુરના ગ્રામજનોની મદદથી બાવળ હટાવાતાં દોડેલી પોલીસે વાહનવ્યવહાર પુર્વવત કરાવ્યો હતો. પ્રચંડ પવનના કારણે થરાદ, વાવ તાલુકાના કેટલાક થરાદ આજુબાજુના ગામોના ખેડુતોના ખેતરમાં ઉભેલો બાજરી અને જુવારનો રહ્યોસહ્યો પાકનો સોંથ વળતાં ભારે નુકશાન થતાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી.ચક્રવાતમાં પવનનું જોર એટલી હદે હતું કે દુકાનદારો તથા રહીશોના આંગણે રહેલી અને બજારમાંથી ઘર તરફ જઇ રહેલા લારીધારકોની ચીજવસ્તુઓ પણ ઉડવા પામી હતી.

 

(12:19 am IST)