Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

નર્મદા ડેમની સપાટી વધી ૧૩૭ મીટર સુધી પહોંચી

ડેમમાં ૧૦ લાખ ક્યૂસેક પાણીની આવક : ડેમથી અવિરત પાણી છોડાતાં ભરૂચ નર્મદા કાંઠાથી અઢી હજારથી વધારે લોકોનું સ્થળાંતર : તંત્ર સંપૂર્ણપણે સુસજજ

અમદાવાદ, તા.૧૧ : ઉપરવાસમાંથી ૧૦.૧૬ લાખ ક્યૂસેક પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટી વધીને સૌપ્રથમવાર ૧૩૭ મીટર ઉપર પહોંચી ગઇ છે અને નર્મદા ડેમમાંથી ૨૪ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલીને આઠ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ભરૂચ નજીક ગોલ્ડન બ્રીજે નર્મદા નદીની સપાટી ૩૧.૮૫ ફૂટ ઉપર પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતાં ભરૂચ નર્મદા કાંઠે અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું હતું. નર્મદા ડેમની સપાટી જે પ્રમાણે સતત વધી રહી છે તે જોતાં તા.૧૮મી સપ્ટેમ્બર સુધીમાં ડેમ ઓવરફલો થવાની શકયતાઓ સેવાઇ રહી છે.

        નર્મદા ડેમમાં એક કલાકમાં પાણીની આવકમાં ૧,૮૦,૦૦૦ ક્યૂસેકનો વધારો થયો છે અને એક કલાકમાં ડેમની સપાટી ૯ સે.મી.નો વધારો થઇ રહ્યો છે. જેને પગલે કેવડિયાના ગોરા બ્રીજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી ૨૯.૪૦ મીટરે પહોંચી છે. ડેમમાં હાલ ૫૧૫૩ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમમાંથી આઠ લાખ ક્યૂસેક પાણી અને કરજણ ડેમમાંથી એક લાખ ક્યૂસેક ઉપરાંતનો પાણીનો જથ્થો નર્મદા નદીમાં ઠલવાતાં નર્મદા નદી ઉફાને ચઢી હતી. ભરૂચમાં નર્મદા નદીની સપાટી ૩૧.૮૫ ફૂટે થતાં જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કવાયત હાથ ધરાઇ હતી. જેમાં ઝઘડિયામાં ૧૬૨૪, ભરૂચમાં ૩૭૮ તેમજ અંક્લેશ્વર ૪૦૧ અસરગ્રસ્તો મળી કુલ અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નર્મદા નદીના પૂરના પાણી ભરૂચના નીચાણવાળા વિસ્તારો જેમકે ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી, બહુચરાજીનો ઓવારો, દાંડિયાબજાર, ભૃગુઋષી મંદિર, ફુરજા વિસ્તાર સહિતમાં પૂરના પાણી ભરાયા હતા.

            જેને પગલે તંત્રએ તુરંત એકશનમાં આવી વિસ્તારના ૨૫૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે દશાન, શુક્લતીર્થ, તવરા સહિતના ગામોમાં પણ અસરગ્રસ્તોના સ્થળાંતરની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી અને ડેમની સપાટી વધતા ડાઉન સ્ટ્રીટમાં લાખો ક્યૂસેક પાણી ડેમમાંથી આવી રહ્યું છે. ઝઘડિયાના કાંઠા વિસ્તારોના અશા, પોરા, તરસાલી, ટોથીદરા, જરસાડ, ઓરરપટ્ટાર, ઝઘડિયા, અવિધા, રાણીપુરા, ઉચેડિયા, મોટા સાંજા, નાના સાંજા, ગોવાલી, મુલદની સીમોના ખેતરોમાં પાણી ભરાતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમાંથી ૫૦૦થી વધુ લોકોનું તેમ ૩૦૦થી વધુ પશુઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

(8:35 pm IST)