Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

યાત્રાધામ અંબાજીના મહામેળામાં બનાસકાંઠાના કલેકટર સંદિપ સાંગલે પણ જાતે સફાઇ અભિયાનમાં જોડાયા

અંબાજી: ગુજરાતનું દેવી શક્તિનું સૌથી મોટા યાત્રાધામ અંબાજી મહામેળાનો આજે ચોથો દિવસ છે. મેળા દરમિયાન ત્રીજા દિવસે સાંજના સુમારે ખુદ બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલે વહિવટીતંત્ર સાથે અંબાજી માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા હતા. અને સ્વચ્છ અંબાજીના સંકલ્પ સાથે પોતે જાત સફાઈ કરી ગામ, જિલ્લામાં પ્રશંસા મેળવી રહ્યા છે.

ત્રીજા દિવસ સુધી 9 લાખ દર્શનાર્થીઓ અંબાજીમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે અંબાજીમાં ગંદકીનું નામો નિશાન જોવા નહી મળતાં ગ્રામજનો અને દર્શનાર્થીઓ તંત્ર ઉપર આફરીન બની રહ્યા છે. સમગ્ર યાત્રાધામને સ્વચ્છ રાખવા ત્રીજા દિવસે કલેક્ટર સંદિપ સાંગલેએ વહીવટીતંત્ર સાથે જોડાયા હતા. અને અંબાજીમાં સાફસફાઈ કરી હતી.

જેથી સૌ પ્રથમ વખત જગદંબાના ધામમાં લાખો શ્રધ્ધાળુઓ વચ્ચે સફાઈ જોવા મળી રહી છે. આ સાથે સફાઈ કામદારો માટે પ્રેરણા સ્ત્રોત બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માં અંબાના ધામમાં સ્વચ્છતા અભિયાનનો સંદેશો દેશભરમાં પહોંચે તે માટે મંગળવારે જિલ્લાના અધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં રોડ પર પડેલો કચરો, ગટર સફાઈ કરવામાં આવી હતી. ખુદ જિલ્લા કલેકટરે આ અભિયાનમાં મદદરૂપ બની અનોખો સંદેશ પ્રજા વચ્ચે પહોંચાડયો છે. આમ, અધિકારીઓ સાથે આંતરિક ગલીઓમાં પહોંચી એક સુંદર સ્વચ્છ અંબાજી બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.

અંબાજી મહામેળામાં કલેક્ટરની જાત તપાસને લઈ મિડીયા પહોંચી ગયું હતું. જ્યાં પત્રકારોને કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અને પ્લાસ્ટીકમુક્ત ઈન્ડીયા બનાવવા બનાસકાંઠા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. અંબાજી મેળામાં 20 લાખ શ્રધ્ધાળુઓ આવવાની ધારણા વચ્ચે સ્વચ્છતા જરૂરી છે. જેને લઈ તંત્ર ખડેપગે રહી સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચશે. તદ્ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનના ભાગરૂપે પ્લાસ્ટિક પ્રદૂષણ દુર કરવા માટેના નિર્દેશો વેપારીઓને આપવામાં આવ્યા હતા.

(5:07 pm IST)