Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમદાવાદ કોર્પોરેશન સ્‍વચ્છતાના સર્વેમાં ટોપ-૧૦માં સ્‍થાન મેળવવા ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન, ટ્રાન્સપોર્ટેશન અને કચરાના નિકાલ માટે યુઝર ચાર્જ વસુલશેઃ શુક્રવારે સ્‍ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય

અમદાવાદ: વધુ પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ કારણકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોલિડ વેસ્ટ કલેક્શન સુવિધા માટે યૂઝર ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ AMC રેસિડેન્શિયલ યુનિટ પાસેથી પ્રતિ દિવસ રૂ. 1 અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી પ્રતિ દિન 2 રૂ. યૂઝર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુનિટ્સ પાસેથી AMC દર વર્ષે 116 કરોડ રૂપિયા યૂઝર ચાર્જ લેવાનું લક્ષ્ય રાખ્યું છે. શહેરમાં 16 લાખ રેસિડેન્શિયલ યુનિટ અને 8 લાખ કોમર્શિયલ યુનિટ્સ છે.

AMCના એક સીનિયર અધિકારીએ માહિતી આપી કે, મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવતા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુનિટ્સે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 1 ઓક્ટોબર 2018થી વધારાનો ટેક્સ ચૂકવવાનો રહેશે. શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મામલે વિગતવાર પ્રપોઝલ વહીવટી પાંખ દ્વારા મૂકવામાં આવશે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ) રૂલ્સ 2016 અંતર્ગત ચાર્જ વસૂલવામાં આવશે. ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન, ટ્રાંસપોર્ટેશન અને કચરાનો નિકાલ કરવા માટે યૂઝર ચાર્જ લેવાશે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ) રૂલ્સ 2016ના સેક્શન 54 પ્રમાણે, “યૂઝર ફી એટલે લોકલ બોડી અને રૂલ 2માં ઉલ્લેખાયેલ વ્યક્તિ દ્વારા ઘન કચરો ઉત્પાદિત કરનાર પાસેથી ઘન કચરો લેવા, ટ્રાંસપોર્ટ કરવા અને નિકાલ કરવાની સુવિધા પેટે લેવાતી પૂરેપૂરી કે આંશિક રકમ.” 2016ના રૂલમાંડ્યૂટીઝ ઓફ વેસ્ટ જનરેટરના શીર્ષક હેઠળ ઉલ્લેખ છે કે, લોકલ બોડીઝના બાયલોઝ મુજબ કચરો ઉત્પાદિત કરતાં દરેક પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ચાર્જ લેવામાં આવશે.

સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ યૂઝર ફીમાં 15 મુદ્દાઓનો સમાવેશ થાય છે. ક્લિન સિટીના રેન્કિંગ માટે યૂઝર ચાર્જિસ માટે 15 મુદ્દાઓ નક્કી કરાયા છે. સ્વચ્છ સર્વેક્ષણ 2019 માટે 12મા ક્રમે આવેલું કોર્પોરેશન હવે ટોપ 10 શહેરોમાં એન્ટ્રી મેળવવા માગે છે. સર્વેક્ષણના મૂલ્યાંકન માટે કચરો ઉત્પાદિત કરતાં લોકોને યૂઝર ચાર્જ ભર્યાની રસીદ આપવામાં આવશે અને યૂઝર ચાર્જિસના નોટિફિકેશનનું રિવ્યૂ પણ કરાશે. જો યૂઝર ચાર્જ સૂચિત કરાય અને લાગુ કરવામાં આવે તો શહેરને 15 પોઈન્ટ મળશે. જો શહેર દ્વારા યૂઝર ચાર્જ સૂચિત કરવામાં આવે પરંતુ લાગુ કરાય તો શહેરને 10 પોઈન્ટ મળશે.

(5:03 pm IST)