Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ખેલ મહાકુંભ માટે લગભગ અડધો કરોડ ખેલાડીઓએ નામ નોંધાવ્યા : ૧૮થી શરૂ

શાળા-ગ્રામ્ય કક્ષાએ ૧૮થી અને રાજ્યકક્ષાએ ૧ ડીસે.થી ૧ મહિનો સ્પર્ધાઓ યોજાશે

અમદાવાદ તા. ૧૨ : ખેલ મહાકુંભની વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતભરના ૪૨લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શાળા - ગ્રામ્ય કક્ષાએ ૧૮મી સપ્ટેમ્બરથી સ્પર્ધાઓનો શુભારંભ થશે. જ્યારે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ૧લી ડિસેમ્બરથી શરૂ થઇને એક મહિનો સુધી ચાલશે. જેમાં કુલ ૩૪ રમતોનો સમાવેશ કરાયો છે. ગાંધીનગર ખાતે ખેલ મહાકુંભના આયોજન માટે રાજ્ય કક્ષાના માન્ય એસોસિએશન સાથે રમત-ગમતના મંત્રીની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, બાળકો - યુવાઓ અને વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિતઓનું બહાર લાવવા સરકાર કટિબધ્ધ છે. આ વર્ષના ખેલ મહાકુંભના ખેલાડીઓને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાશે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ બી.પી.પટેલે કહ્યું કે, આ વર્ષે ૪૨ લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ૫૭ ટકા એથ્લેટીકસ, ૯.૩૨ ટકા કબડ્ડી, ૯.૪૦ ટકા ખો-ખો અને ૨૩.૫૨ ટકા અન્ય સ્પર્ધાઓનું રજીસ્ટ્રેશન કરાયું છે. ૧૮મી સપ્ટેમ્બરથી ખેલ મહાકુંભની શરૂઆત થશે.

આ જ રીતે તા. ૨૨થી ૨૬ સપ્ટેમ્બર એમ પાંચ દિવસ તાલુકા કક્ષાએ આઠ સ્પર્ધાઓ યોજાશે. તા. ૨૦ ઓકટોબરથી ૩ નવેમ્બરના કુલ ૧૫ દિવસ સુધી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૨૧ રમતો માટે અને ૧લીથી ૩૧ ડિસેમ્બર સુધી એક મહિના માટે રાજ્યકક્ષાએ ૩૪ રમતો યોજાશે. ખેલ મહાકુંભના વિજેતાઓને ૪૫ કરોડથી વધુ રકમના ઇનામો અપાશે.

(4:06 pm IST)