Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ત્રીજી આંખ-૪૧ જિલ્લા શહેરોમાં લાગ્‍યા ૭૦૦૦ CCTV કેમેરા

પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો : ક્રાઇમ ડીટેકશનમાં મળતી મદદ : ૬ મોટા ધાર્મિક સ્‍થળોને પણ CCTV હેઠળ આવરી લેવાયા

અમદાવાદ તા. ૧૨ : ૭૦૦૦ સીસીટીવીનું ૪૧ જિલ્લા અને શહેરો, છ ધાર્મિક સ્‍થળો અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સહિતના વિવિધ સ્‍થળોએ ઉભું કરાયેલું નેટવર્ક ક્રાઇમ ડીટેકશન રેટ વધારવામાં મદદ રૂપ થઇ રહ્યું છે. ગુજરાત પોલિસના આંકડાઓ અનુસાર, ચોરી અને લુંટના ગુનાઓને ડીટેકશન રેટ ૨૦૧૮ની સરખામણીમાં ૧૩ ટકા, હિંસાના ગુનેગારોને પકડવામાં ૭ ટકા અને ઘરફોડીના ગુનાઓ શોધવામાં ૭ ટકાનો વધારો થયો છે.

રોડ એકસીડન્‍ટ અને ટ્રાફિકને લગતા ગુનાઓમાં મોટાભાગે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતાં હોય છે. પણ ‘વિશ્વાસ' પ્રોજેકટ હેઠળ મુકવામાં આવેલ કેમેરાઓના ફુટેજ ચકાસણીમાં મદદરૂપ બને છે. તેનાથી ટ્રાફિક મેનેજમેન્‍ટમાં ઘણી મદદ મળે છે. ૨૦૧૮ની સરખામણીમાં એકસીડન્‍ટના કેસોમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળામાં રોડ એકસીડન્‍ટની ઇજાઓમાં ૨૧ ટકા અને મોતમાં ૭ ટકાનો ઘટાડો થવાનું પોલીસે જણાવ્‍યુ઼ છે.

ધાર્મિક સમારોહ, વીવીઆઇપીની વીઝીટ, તહેવારો અને મેળાઓમાં સીસીટીવી કેમેરા નેટવર્ક કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં મદદરૂપ થાય છે. એક પોલિસ અધિકારીએ કહ્યું કે, સીસીટીવી કેમેરાની મદદથી અમે ૩૨૦૦ જેટલા સમારંભો અને પ્રસંગો પર નજર રાખી છે. એડીશ્‍નલ ડીજીપી (લો એન્‍ડ ઓર્ડર) નરસીંહા કોમરે કહ્યું, સંપત્તિના ગુનાઓમાં સ્‍થાનિક પોલિસ સીસીટીવી કેમેરાની મદદ લે છે. ગુના દરમિયાન ગુનેગારો જ્‍યારે વાહનનો ઉપયોગ કરે છે ત્‍યારે સીસીટીવી કેમેરા ખરેખર બહુ જ ઉપયોગી બને છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચેન સ્‍નેચીંગની ઘટનાઓમાં સીસીટીવીના કારણે ઘટાડો થયો છે.

(10:40 am IST)