Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અમદાવાદનાં 30 મંદિરોમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ કેન્સલ : દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરે જાણો કઈ રીતે થશે ઉજવણી

AMC ટીમે મંદિરનાં વહીવટકર્તાઓને કોરોનાને લઇ આપી SOP : ટીમોએ શહેરમાં કુલ 469 ધાર્મિક સ્થાનોની રૂબરુ મુલાકાત કરી

અમદાવાદઃ કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દેશ અને રાજ્ય સહિતનાં તમામ કૃષ્ણ ભગવાનના મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે હાલમાં કોરોના મહામારીને કારણે તમામ મંદિરોમાં ભક્તોને એટલે કે સામાન્ય જનતા માટેનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. એવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાનાને કારણે જન્માષ્ટમી નિમિત્તે જરૂરી કાળજી રાખવામાં આવે એ માટે ધાર્મિક સ્થાનોની મુલાકાત કરી હતી અને મંદિરનાં વહીવટકર્તાઓને SOP આપી હતી. આજનાં દિવસે શહેરનાં મોટા 30 મંદિરોમાં આઠમની ઉજવણીનો કાર્યક્રમ રદ કરાશે.

આજે જન્માષ્ટમીનો તહેવાર છે. ત્યારે દેશ અને રાજ્ય સહિતનાં તમામ કૃષ્ણનાં મંદિરોમાં જન્માષ્ટમી ઉજવાઇ રહી છે. પરંતુ કોરોનાને કારણે તમામ મંદિરોમાં ઉજવણીનાં તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત તમામ ભક્તો માટે પોસ્ટરો પણ લગાડી દેવાયાં છે. મ્યુનિ.એ તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મની ઉજવણી અને મટકી ફોડ જેવાં કાર્યક્રમો ઉજવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે મોટા ભાગના મંદિરોએ તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત સાથે મંદિરની બહાર ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધનાં બોર્ડ પણ લગાવી દીધાં છે.

 અત્રે ઉલેલેખનીય છે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવી દીધો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણ વધારે માત્રામાં ફેલાયેલ છે. જેને કારણે મ્યુનિ. કોર્પોરેશને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી ધાર્મિક સ્થળો માટે ખાસ SOP બનાવી છે. આ SOPમાં ધાર્મિક સ્થાનોની અંદર ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક વિના કોઇને પણ એન્ટ્રી નહીં આપવી જેવાં અગત્યનાં મુદ્દાઓનો અમલ કરાવવા અનુરોધ કરાયો છે.

મ્યુનિ.ની ટીમોએ 332 મંદિર, 91 મસ્જિદ, 28 દેરાસર, 9 ચર્ચ, 7 ગુરુદ્વારા અને 2 આશ્રમો મળીને કુલ 469 ધાર્મિક સ્થાનોની રૂબરુ મુલાકાત લીધી હતી અને તેઓને SOP દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અને લોકોને પણ તેનું પાલન કરાવવા અનુરોધ કર્યો હતો. જો કે મ્યુનિ.ની મુલાકાત બાદ તમામ મોટા મોટા મંદિરોએ પોતાના ગેટ આગળ જન્માષ્ટમીનાં કાર્યક્રમ રદ કર્યાના પોસ્ટર લગાડી દીધા હતાં.

1 ચકુડિયા મહાદેવ મંદિર, ગોમતીપુર
2 વ્રજધામ હવેલી, જોધપુર
3 રણછોડરાયજી મંદિર, વેજલપુર
4 ગોકુલનાથ હવેલી
5 વૈકુંઠધામ મંદિર
6 વલ્લભવાડી મંદિર, મણિનગર
7 રણછોડરાય મંદિર, સરસપુર
8 રણછોડરાય મંદિર, નરોડા
9 મહાપ્રભુની બેઠક, નરોડા
10 મહાકાલિ મંદિર, ઠક્કરનગર
11 રાધા ક્રિષ્ના મંદિર, ઠક્કરનગર
12 બ્રહ્માકુમારી લોટસ હાઉસ, સરદારનગર
13 બાપ્સ સ્વામીનારાયણ મંદિર, ઠક્કરનગર
14 કલ્યાણ પુષ્ટી હવેલી, વસ્ત્રાપુર
15 ભાગવત વિદ્યાપીઠ, એસજી હાઇવે
16 ઇસ્કોન મંદિર, બોડકદેવ
17 જગન્નાથ મંદિર, જમાલપુર
18 રામકૃષ્ણ મંદિર, શાહીબાગ
19 રણછોડરાયજી મંદિર, સારંગપુર
20 ગણપતિ મંદિર, લાલદરવાજા
21 વલ્લભ સદન, આશ્રમ રોડ
22 કામેશ્વર મહાદેવ, નારણપુરા
23 બાપ્સ સ્વામીનારાયણ મદિર, રામોલ
24 રામજી મંદિર, વસ્ત્રાલ
25 શ્રીનાથજી હવેલી, નિકોલ
26 સ્વામીનારાયણ મંદિર, ઘનશ્યામનગર
27 લાંગડીયા હનુમાન મંદિર, વિરાટનગર
28 રામેશ્વર મહાદેવ મંદિર, વિરાટનગર
29 સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર, ગોમતીપુર
30 બાલા હનુમાન મંદિર, વિરાટનગર

દ્વારકા

13 તારીખ સુધી દ્વારકા મંદિર બંધ

જન્માષ્ટમીને લઈને આરતીનો સમય:-

મંગળા આરતી દર્શન – સવારે 6 : 00 કલાકે
શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન, અભિષેકના દર્શન – સવારે 8:00 કલાકે
શ્રીજીની શ્રૃંગાર આરતી – સવારે 11:00 કલાકે
અનોસર ( બંધ ) બપોરે 1:00 થી 5:00 કલાક સુધી
ઉત્થાપન દર્શન – સાંજે 5:00 કલાકે
શ્રીજીની સંધ્યા આરતી દર્શન – 7:30 કલાકે
શ્રીજીની શયન આરતી દર્શન – રાત્રે 8:30 કલાકે
શ્રીજી શયન ( દર્શન બંધ ) – 9:00 કલાકે
શ્રીજી જન્મોત્સવના આરતી દર્શન – રાત્રે 12:00 કલાકે
શ્રીજી શયન ( દર્શન બંધ ) – 2:00 કલાકે

ડાકોર

સવારે 7 વાગે મંગળા આરતી
સવારે 9 વાગે શણગાર આરતી
11 વાગે રાજભોગ આરતી
4 વાગે ઉત્થાપન આરતી
સાંજે 5 વાગે શયન આરતી થશે
રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ અને ભગવાનને તિલક કરવામાં આવશે
પંચામૃત સ્નાન કરાવ્યા બાદ સવા લાખનો મુગટ પહેરાવવામાં આવશે
રાત્રે અઢી વાગે આરતી કર્યા બાદ ભગવાનને પારણે ઝૂલાવવામાં આવશે

શામળાજી

મંદિર રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
રાત્રે 12 વાગે બંધ બારણે માત્ર પુજારીઓની હાજરીમાં જન્મોત્સવ
સવારે 7 વાગે મંગળા આરતી, 7.45 કલાકે શણગાર આરતી
9.15 કલાકે રાજભોગ ધરાવી મંદિર બંધ કરવામાં આવશે
11.30 કલાકે રાજભોગ આરતીની સાથે મંદિર ખુલશે
12.15 કલાકે મંદિર બંધ થશે, 15 મિનિટ બાદ એટલે કે 12.30 કલાકે મંદિર ખુલશે
સાંજે 7 વાગે સંધ્યા આરતી અને રાત્રે 8 વાગે મંદિર બંધ થશે.

(6:55 pm IST)