Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સુરતમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપાર ભાગેલી કિશોરીએ ચોંકાવનારા ખુલાસા કરતા પર્દાફાશ

મુસ્કાન નામની મહિલાએ વડોદરાથી ફરવા જવાના બહાને 15 વર્ષીય કિશોરીને દેહવેપારમાં ધકેલી : ફરવા જવાના બહાને સગીરાને દેહવ્યાપારમાં ધકેલી લીધી

સુરતઃ  શહેરમાં સ્પા અને મસાજ પાર્લરનો ધંધો પણ જોરશોરથી ચાલી રહ્યો છે. જો કે સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાઓ ધમધમી રહ્યાં હોવાંની વાત પણ અનેક વખત સામે આવી છે. ત્યારે વધુ એક કિશોરીને જબરદસ્તી દેહવેપારના ધંધામાં ધકેલી હોવાનો પર્દાફાશ થયો છે. વડોદરાથી 15 વર્ષીય કિશોરીને ફરવા જવાને બહાને મુસ્કાન નામની મહિલા સુરત લાવી સ્પાના અને મસાજ પાર્લરના બહાને દેહવ્યાપારનાં ધંધામાં ધકેલી દીધી હતી.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વેસુ વીઆઈપી રોડ પર આવેલા મારવેલા શોપિંગ સેન્ટરમાં ચાલતા સ્પામાંથી કામ કરતી કિશોરી ત્યાંથી ભાગી સુરત રેલવે સ્ટેશન પર જતી હતી. ભાગ્ય બાદ સુરતમાં અજાણી હોવાથી તે વેસુ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલ પાસે બેસીને રડી રહી હતી. કિશોરીને રડતાં જોઈ એક રાહદારીએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ દ્વારા કિશોરીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કિશોરીએ ચોંકાવનારી વિગતો પોલીસને આપી હતી.

કિશોરી પાસેથી વિગતો લઈ તેના માતા-પિતાનો પોલીસે સંપર્ક કરી તેમને સુરત બોલાવ્યા હતાં. કિશોરીના પિતાએ ફરિયાદ આપતા મુસ્કાન મોહંમદ દાઢી શેખ ( રહે. શિવશકિત સોસા, આઝાદનગર, ભટાર ) ની અટકાયત કરી પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.

વધુમાં ભોગ બનનાર કિશોરીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે,“તે વડોદરા પાસેના કરજણ ખાતે પરિવાર સાથે રહેતી હતી, જ્યાં તેના પિતા સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાં તેને સુરતની મુસ્કાન મળી ગઈ હતી અને સુરત લઈ આવી હતી. મુસ્કાને કિશોરીને પોતાના ઘરે રાખી સુરતમાં તેની સાથે રાખી બીજા દિવસે વેસુના મની આર્કડ શોપીંગમાં તમન્ના મસાજ પાર્લર લઈ ગઈ હતી. જ્યાં કિશોરીને એક રૂમમાં રાખી હતી. ત્યાં ગ્રાહકો જબરજસ્તી કરી તેની સાથે શરીર સંબંધ બાંધતાં હતાં.

મુસ્કાન કિશોરીને અલગ-અલગ સ્પામાં લઈ જતી હતી અને તેને જબરજસ્તી રૂમમાં ધકેલી વેશ્યાવૃત્તિ કરાવતી હતી. કિશોરીને એક વ્યક્તિ સાથે સંબંધ બાંધવાના બદલામાં 200-300 રૂપિયા આપવામાં આવતાં હતાં. જો કે મુસ્કાન ગ્રાહક પાસેથી વધારે રૂપિયા લેતી હતી અને બાકીના રૂપિયા પોતાની પાસે રાખતી હતી. વેસુના અલગ સ્પામાં કિશોરીને વેશ્યાવૃતિમાં ધકેલી હતી. જેમાં તમન્ના સ્પા, મોક્ષ ડે સ્પા, એમ્બીઝ સ્પા, ન્યુ પૂજા સ્પા, ઈન્ડિયન થાઈ સ્પા, વીઆઈપી રોડ રૂંગટા શોપિંગ સેન્ટરમાં પહેલા માળે અને ત્રીજા માળે આવેલા સ્પાનો સમાવેશ થાય છે.

સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુ વીઆઈપી રોડથી માંડીને ડુમ્મસ રોડ સુધીના રસ્તા પર આવેલા અનેક મોલમાં ચાલતા મસાજ પાર્લર અને સ્પામાં વેશ્યાવૃતિનો વેપલો ચાલે છે. જો કે આ વાતની જાણ ખુદ સ્થાનિક પોલીસને છે, પરંતુ પોલીસ આંખ આડા કાન કરતી હોય છે. પોલીસ બધું જ જાણતી હોવા છતાં અજાણ બનતી હોય છે.

(3:49 pm IST)