Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે જન્માષ્ટમી અવસરે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી ૨૮૧ મી પ્રાગટ્ય જયંતી તથા સત્સંગ મહાસભા સ્થાપના શતાબ્દીની ઊજવણી કરાઇ

શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી, નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા, સનાતનધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, "સત્સંગ મહાસભા" ગ્રંથનું પૂજન, અર્ચન, આરતી ઉતારાય

ફોટો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી આજથી ૨૮૧  વર્ષ પૂર્વે સંવત ૧૭૯૫ શ્રાવણ વદ આઠમ - જન્માષ્ટમી, તારીખ ૨૮-૮-૧૭૩૯ શુક્રવારના શુભ દિને અયોધ્યામાં પિતા અજય શર્મા અને માતા સુમતિના ગૃહે પ્રગટ થયા હતા. એમનું પૂર્વાશ્રમનું નામ રામ શર્મા હતું.
વળી,  આજે સત્સંગ મહાસભાના સ્થાપક શ્રીજી સ્વયંમૂર્તિ  જીવનપ્રાણ અબજીબાપાશ્રી અને સત્સંગ મહાસભાના સુકાની નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાએ સત્સંગ સમુદાયના હિતાર્થે અને શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો અનુસાર તેના રક્ષણ અર્થે અને શુદ્ધ સંપ્રદાયમાં "ધર્મ શુદ્ધિ અને વહિવટ શુદ્ધિ" માટે સત્સંગ મહાસભાની સ્થાપના કરી. તેને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ "સત્સંગ મહાસભા શતાબ્દી" પર્વની ઉજવણી  શ્રીજીબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સન્નિધિમાં કરવામાં આવી હતી.
  અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ખૂબ જ બહોળા સમુદાયમાં સત્સંગ પ્રવર્ત્યો હોઈ વ્યવહારિક વ્યવસ્થા માટે  વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેશ તથા અમદાવાદ શ્રી નરનારાયણ દેશ એમ બે ભાગ પાડી તેના વહીવટકર્તા તરીકે અનુક્રમે શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની આચાર્ય તરીકે વરણી કરી.
અને તે આચાર્યશ્રીઓએ મહિમા સભર સંપ્રદાયની અર્થાત્ ત્યાગી ગૃહસ્થ સર્વેની યથાયોગ્ય સંભાવના કરી. પણ વખતના વહન સાથે આચાર્યશ્રીઓ જ્યારે દેવની મિલકત પોતાના અંગત સ્વાર્થ ખાતર પોતાની ગણવા માંડ્યા ત્યારે શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીના નેતૃત્વ હેઠળ સંતો હરિભક્તોએ સમજણપૂર્વક સમાધાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ જતાં જીવનપ્રાણ બાપાશ્રી, સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા અન્ય સદ્ગુરૂઓના તથા વિશાળ સંતો ભક્તોના સાથ-સહકારથી દેવની મિલકત દેવની ઠરાવવા માટે "સત્સંગ મહાસભા"ની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ તે દ્વારા લંડન પ્રિવી કાઉન્સિલ સુધી કેસ ચાલ્યો અને અંતે કોર્ટે દેવની મિલકત દેવની ઠેરાવી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન કારણ સત્સંગનું મૂળ સત્સંગ સભા છે. શ્રી સત્સંગ મહાસભા કોણે સ્થાપી?  કેવા સંજોગોમાં સ્થપાઈ તે વિશેની વિગતવાર માહિતી વર્તમાન તથા ભાવી પેઢીને મળે તે હેતુથી રચાયેલ સત્સંગ મહાસભા ગ્રંથની અંદર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી જે ગ્રંથનું આલેખન કરવામાં આવ્યું છે તેવા ગ્રંથનું આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પૂજન અર્ચન, આરતી, અને ગ્રંથનું સામૂહિક વાંચન  કરવામાં આવ્યું હતું.

(4:26 pm IST)