Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: CBSEના વિદ્યાર્થીને ધો.11માં પ્રવેશ નહીં અપાય

ધોરણ-10 મેથેમેટિક્સ બેઝીક સાથે પાસ વિદ્યાર્થીને પ્રવેશ નહિ મળે

અમદાવાદ: CBSEમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ બેઝીક સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) માન્યતા ધરાવતી શાળામાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપી શકાશે નહીં તેવો બોર્ડની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

 

CBSEમાં ધો.10માં વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં મેથેમેટિક્સ બેઝીક અને મેથેમેટિક્સ સ્ટાર્ન્ડડ એવા બે વિકલ્પો આપવામાં આવે છે. ધો.10માં મેથેમેટિક્સ બેઝીક રાખનારા વિદ્યાર્થી CBSE બોર્ડની શાળામાં ધો.11માં ગણિત વિષય રાખી શકતો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હાલમાં ધો.10માં ગણિત વિષયમાં મેથેમેટિક્સ બેઝીક અને મેથેમેટિક્સ સ્ટાર્ન્ડડ જેવા કોઇ વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવતા નથી.

ગત તા. 7મી ઓગસ્ટના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે CBSEમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ બેઝીક સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધો.11 ( વિજ્ઞાન પ્રવાહ)માં પ્રવેશ આપી શકાય નહીં. આ બાબતે દરેક શાળાઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને બોર્ડે તાકીદ કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, CBSEએ ધો. 10માં ગણિતના બે વિકલ્પ રાખ્યા હતા. જે વિદ્યાર્થીને ગણિત સાથે આગળ ભણવું નથી તેમના માટે ગણિત બેઝિક અને બાકીના વિદ્યાર્થીઓ માટે ગણિત સ્ટાન્ડર્ડ એમ બે વિકલ્પો નક્કી કર્યા હતા. બન્નેનો અભ્યાસક્રમ સરખો રાખ્યો હતો, પરંતુ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધોરણ 11માં સાયન્સ રાખવાનું ના હોવાથી સરળ પેપર અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે અઘરું પેપર કાઢવાનું નક્કી કર્યું હતું.

આ જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોએ પણ પ્રસ્તાવ મુક્યો હતો. જે સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ CBSEના પરિણામનું મૂલ્યાંકન તથા અભ્યાસ કરવા બાદ અમલ કરવાનું વિચાર્યું છે.

(9:34 am IST)