Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સુરતના ઉધનામાં ઓક્સિજન બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ: એકનું મોત : ચાર કામદારો ગંભીર

પ્રચંડ બ્લાસ્ટ થતા આસપાસની દુકાનોની દિવાલ તોડી નાંખી: 10 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી : 15 લોકોને બહાર કાઢ્યા

સુરતઃસુરતના ઉધનામાં ઓકિસજન બોટલના એક ગોડાઉનમા અચાનક વિસ્ફોટ થઇ ગયો અને આગ ફાટી નીકળી હતી. ઘટનામા એક કામદારનું સ્થળે જ મોત નીપજયુ હતુ . જ્યારે અન્ય ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

સુરત ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના ઉઘના રોડ નંબર 9 પર આવેલા પેરિસ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન સપ્લાય માટેનું ગોડાઉન આવેલુ છે. ગોડાઉનમા ઓકિસજન બોટલમા અચાનક બ્લાસ્ટ થતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા સ્થાનિક લોકોમાં પણ અફરાતફડીનો માહોલ છવાઇ ગયો હતો.

આગ લાગ્યાનો કોલ મળતા ફાયર વિભાગ તથા ઉઘના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા સૌ પ્રથમ બીજા માળ પર ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામને સહીસલામત રીતે બહાર કાઢયા હતા. જ્યારે ઓકિસજન ગોડાઉનમા તપાસ કરતા એક કામદાર મૃત અવસ્થામા મળી આવ્યો હતો, જ્યારે અન્ય ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમા ખસડવામા આવ્યા હતા.

બ્લાસ્ટની ઘટનાને લઇને ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસની દુકાનો ની દિવાલ પણ તોડી નાખી હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાથી ઓકિસજનની બોટલો પણ બહાર કાઢી હતી. જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયુ નથી. જોકે ગોડાઉનમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

(9:17 pm IST)