Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હિરા ઉદ્યોગ ક્ષેત્રે રશિયા સાથે ભાગીદારી ઉપયોગી : મુખ્યમંત્રી વિજય રૂપાણી

રશિયામાં બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત : રશિયામાં ત્રીજા ભાગના રફ ડાયમંડો ઉપલબ્ધ : રાજ્યમાં ૮૦ ટકા ડાયમંડ પ્રોસેસિંગ થાય છે : મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાતચીત

અમદાવાદ,તા.૧૨ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા કરશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે. વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમંડ રશિયામાં ઉપલબ્ધ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, સામાપક્ષે ભારત પણ રફ ડાયમંડ પોલિશિંગ અને કટિંગમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે.

            ગુજરાતમાં ૮૦ ટકા ડાયમંડ પ્રોસેસીંગ થાય છે અને ૯૫ ટકા પ્રોસેસ્ડ ડાયમન્ડ  આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે. સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા-ગુજરાતની આ ભાગીદારી મહત્વપૂર્ણ ઉપયુક્ત બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી રશિયા પ્રવાસના બીજા દિવસે ઇન્ડિયા રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થયા હતા. બશિયાના ડેપ્યુટી પ્રાઇમ મીનીસ્ટર અને ફાર ઇસ્ટર્ન ફેડરલ ડિસ્ટ્રીકટના પ્રેસીડેન્સીયલ એન્વોય યુરી ટુટનેવ આ સેમિનારમાં ઉપસ્થિત હતા.

      વિજય રૂપાણી ગુજરાતના ૨૮ જેટલા વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયાના પ્રવાસે ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે બહુ લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. પાછલા સાત દસકથી રશિયા સાથે ભારતના સંબંધો ભાવનાત્મક રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયા યાત્રા અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રાના પરિપાકરૂપે દ્વિપક્ષીય સંબંધોને નવો મોડ મળવાનો છે તેમાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. મુખ્યમંત્રીએ ગુજરાત સાથેના સંબંધો સુદ્રઢ કરવાના રશિયા દ્વારા લેવાયેલાં પગલાઓની સરાહના કરતાં જણાવ્યું કે, વાયબ્રન્ટ સમિટની ૨૦૧૯, ૨૦૧૭ની બે શ્રૃંખલામાં રશિયાનું ૬૦ થી વધુ સભ્યોનું ડેલિગેશન સહભાગી થયું હતું.

         ૨૦૧૯ની તાજેતરની વાઈબ્રન્ટ સમિટમાં એનર્જી સેક્ટરની રશિયાની અગ્રણી કંપની રોઝનેફટ  દ્વારા ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણની જાહેરાત ગુજરાતની વાડીનાર રિફાઇનરીમાં સીંગલ પ્રોજેક્ટ નાયરા એનર્જી માટે કરી હતી તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો. તેમણે રશિયન ફાર ઇસ્ટ રીજિયનમાં મશીન ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ એન્ડ માઈનિંગ, ડાયમંડ, ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક્સ જેવા સેકટર્સ ભારત અને ગુજરાત માટે રસના ક્ષેત્રો છે એમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ રશિયાના આ રીજિયન સાથે ગુજરાતની ડાયમન્ડ સેકટર સહિતના વિવિધ ક્ષેત્રોની સહભાગિતા માટે જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન, પ્રોસેસીંગ અને સ્કિલ્ડ લેબર ક્ષેત્રમાં સાથે મળીને કાર્યરત થવાની પ્રબળ અપેક્ષા પણ દર્શાવી હતી.

(9:44 pm IST)