Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના 5 આંતર રાષ્ટ્રીય ક્રિકેટરો સહિત 6 ક્રિકેટરોના લગ્નનું અનોખું આયોજન કરાયું

બાલચોંડી સ્થિત ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે સાદાઈપૂર્વક લગ્ન યોજાયા

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી સ્થિત ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના 5 આંતર રાષ્ટ્રીય ક્રિકેટરો સહિત 6 ક્રિકેટરોના લગ્નનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે કોઈપણ જાતના દંભ વગર અત્યંત સાદાઈપૂર્વક અને યોજાયેલા લગ્નમાં કોઈ મહાનુભાવ કે સ્થાનિક આગેવાનો જોવા મળ્યા ન હતા.જોકે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા ક્રિકેટરોના લગ્ન માટેના ખર્ચ માટે પણ તેમના સ્થાનિક કોચ કમ મેનેજર અને તેમની ટીમે ખાસ્સી ઝહેમત ઉઠાવવી પડી હતી

 .સૂત્રોના જણાવ્યા મુજબ ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં સમાવિષ્ટ વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા તાલુકાના ક્રિકેટરો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે.છતાં સ્થાનિક લેવલે ડુંગરોની વચ્ચે અત્યંત વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પ્રેક્ટિસ કરી તેઓ ભારતીય ટીમમાં પસંદગી પામી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.છતાં સરકારે તેમની કોઈ કદર ન કરતા કે રોજગારી ન આપતા તેઓ ખેતી કે અલગ અલગ વ્યવસાય કે મજૂરી કામ કરી જીવન વ્યતીત કરી રહ્યા છે.તેવા સંજોગોમાં કેટલાક ક્રિકેટરોના લગ્ન બાકી હોઈ એપ્રિલ મેં મહિનામાં લગ્ન નક્કી કરાયા હતા,જોકે લોક ડાઉન હોઈ લગ્ન થઈ શક્યા ન હતા.તેવા સંજોગોમાં તેમના સ્થાનિક કોચ કમ મેનેજરે લગ્નનું બીડું ઝડપ્યું અને ધરમપુરના યુવા આગેવાન ગણેશભાઈ બિરારી કે જેઓ હમેશા બ્લાઇન્ડ ક્રિકેટરોને સહાઇભૂત થાય છે,તેમણે લગ્ન માટે જરૂરી મદદ કરવા ઉપરાંત એક એડવોકેટના પરિવાર સહિત કેટલાક સરકારી અધિકારીઓ ,પોલીસઅધિકારીઓએ લગ્ન માટે આર્થિક સહાય અને કપડાં સહિતની મદદ કરતા લગ્ન શક્ય બન્યા હતા.અને ધરમપુરના ભુદેવોની ઉપસ્થિતિ વચ્ચે ક્રિકેટરોના લગ્ન સંપન્ન થયા હતા.

 આ અંગે સ્થાનિક કોચ કમ મેનેજર દિલીપ જોગારીએ જણાવ્યું કે બ્લાઇન્ડ ક્રિકેટરો જિલ્લાનું ગૌરવ છે.જોકે પાંચ ક્રિકેટરોના યોજાયેલા લગ્નનો ખર્ચ કપડાં,બુટ,સહિતનો હજારો રૂ.નો ખર્ચ ધરમપુરના એક એડવોકેટ,પોલીસ અધિકારી અને હંમેશા મદદરૂપ થતા ગણેશ બિરારી એ આપ્યો છે.તેમણે બાલચોડીના સરપંચ હરેશ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

(10:36 pm IST)