Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

બીગ બીના તેમના મંદિરમાં ચાહકે વિશેષ આરતી કરી

અમિતાભ બચ્ચન કોરોના મૂક્ત થાય તે માટે : અમદાવાદમાં પાનનો ગલ્લો ધરાવતા અમિતાભના ચાહક મહાનાયકને કોરોના પોઝિટિવ આવતા ચિંતિત બન્યા

અમદાવાદ, તા. ૧૨ : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ  આવતા અમિતાભ ફેન ક્લબમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે ગાભાજી ઠાકોર નામના બચ્ચન પ્રેમીએ અમિતાભ બચ્ચનનું મંદિર બનાવડાવ્યું છે. જ્યાં આજે અમિતાભ બચ્ચન માટે વિશેષ આરતી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં અમિતાભ આરતીનો સાઉન્ડ રાખવામાં આવ્યો હતો. અમિતાભ પાન પાર્લરના માલિક ગાભાજી ઠાકોરનું કહેવું છે કે જ્યારે તેમને અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ હોવાની વાત ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને માનતા પણ લીધી અને આખી રાત સૂઈ શક્યા નહિ. એવામાં ગાભાજીએ બચ્ચન સાથે પહેલી મુલાકાતને યાદ કરતા એ પણ કહ્યું કે ૧૦ વર્ષ પહેલાં તેઓ જ્યારે અમિતાભ બચ્ચને મળ્યા હતા. ત્યારે તેમને સંકોચ થતો હતો કે અમિતાભ બચ્ચન શું વિચારશે પણ જ્યારે તેઓ મળ્યા ત્યારે આંખમાંથી આંસુ આવી ગયા હતા. આજે પણ તેઓ ભગવાન માનીને અમિતાભની રોજ આરતી કરે છે.

કેવી રીતે બનાવ્યું મંદિર? ગાભાજીના કહેવા પ્રમાણે અમિતાભ બચ્ચન શરાબી ફિલ્મ જોયા બાદ તેઓ બચ્ચનના દિવાના થઈ ગયા અને ત્યારબાદ તેમણે અમિતાભનું મંદિર બનાવીને તેમની પૂજા કરવાની શરૂઆત કરી હતી.  આઠ વર્ષ પહેલાં આ મંદિર લાકડાનું હતું. પરંતુ ત્યારબાદ મંદિર આરસનું બનાવવામાં આવ્યું. તેઓ ખાસ અમિતાભ બચ્ચનની બર્થ ડે વખતે મંદિરમાં કેક કાપીને ઉજવણી કરે છે.

(9:41 pm IST)