Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

અમદાવાદની યુવતીએ કપડા ખરીદવામાં ૩૫ હજાર ગુમાવ્યા

ઓનલાઈન છેતરપિંડીની ઘટના : ઓનલાઈન શોપિંગ કરતા સમયે નાગરિકો બેંકની તમામ વિગતો આપતા ઠગાઈના કિસ્સા સામે આવતા હોય છે

અમદાવાદ, તા. ૧૨ : ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ભલે વધ્યો હોય પણ તેનો ફાયદો હવે ગઠિયાઓ વધારે ઉપાડી રહ્યા છે. ઓનલાઈન શોપિંગ કરતી વખતે લોકો બેધ્યાન થઈને તમામ બેંકની વિગતો આપી દેતા ઠગાઈના કિસ્સા સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે. એક યુવતી એક વેબસાઈટ પરથી સસ્તા કપડા ખરીદવાના લોભમાં પડી હતી. ત્યાં ઓર્ડર મુજબ સ્ટોક ન હોવાનું કહી ગઠિયાઓએ તેના ડેબિટ કાર્ડની વિગતો માંગી રૂ. ૩૪,૯૦૭ ઉપાડી લીધા હતા.

મૂળ ખેડાની અને હાલ શાહીબાગમાં રહેતી રિચા અમીન નામની યુવતી ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ઘરે બેઠા બિઝનેસ કરે છે. તેનો પતિ રેડિમેડ કપડાની દુકાન ધરાવે છે. રિચાબહેને તાજેતરમાં એથેનિકમેનિયા નામની વેબસાઈટ પર 199માં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મુજબ ડિલિવરી ન મળતા તેઓએ ફેસબુક પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યાે હતો. ફોન પર જણાવવામાં આવ્યું કે, આ ઓર્ડર મુજબનો સ્ટોક ન હોવાથી એનીડેસ્ક એપ ડાઉનલોડ કરી પેમેન્ટ પરત આપશે.

જેથી રિચા બહેને આ એપ ડાઉનલોડ કરી હતી. તેમાં ઓર્ડર પેમેન્ટ રીફન્ડ મેળવવા માટે પ્રોસેસ કર્યા બાદ તેઓએ ડેબિટકાર્ડની વિગતો ભરતા જ ગઠિયાઓએ તેમના એકાઉન્ટમાંથી રૂ. 34,907 ચાઉં કરી લીધા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા હવે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.

(9:41 pm IST)