Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ત્રાસ સંદર્ભે પરિણિતાની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

રાણીપ વિસ્તારની ચકચારી ઘટના : મહિલાનો પતિ અન્ય યુવતી સાથે શિલોન્ગ ફરવા ગયો હતો : જેઠ યુવતીની સામે જ કપડાં બદલી ત્રાસ આપતો

અમદાવાદ, તા. ૧૨ : શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ આ મહિલાએ   કર્યો છે. આટલું જ નહિ પણ લગ્ન બાદ કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરી આવ્યો હતો અને આ દરમિયાન તેનો જેઠ તેની સામે જ કપડા બદલી તેને શરમમાં મૂકી ત્રાસ આપતો હતો. બીજીતરફ સાસુ પણ તેની મોટી વહુના માસિકના કપડા આ યુવતી પાસે ધોવડાવી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.

નિર્ણયનગરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૧૮માં એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ નવેક મહિના સુધી સુખેથી આ યુવતી સાસરે રહેતી હતી. પણ બાદમાં કોઈ યુવતી સાથે તેનો પતિ શિલોન્ગ ફરવા જતો રહ્યો હતો. બીજી તરફ યુવતી સાસરે એકલી પડી જતા સાસુ, જેઠાણી, જેઠ એ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેનો જેઠ તેની સામે જ કપડા બદલી તેને શરમમાં મૂકી ત્રાસ આપતો હતો.

બીજી તરફ સાસુ પણ તેની મોટીવહુના માસિકના કપડા આ યુવતી પાસે ધોવડાવી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. થોડા સમય બાદ યુવતીથી સહન ન થતા સાસુના બીજા મકાને રહેવા માટે પતિ સાથે વાત કરીને ત્યાં રહેવા ગયા હતા. આ મકાનની બહાર બે દુકાન હોવાથી સાસુ-સસરા આવે ત્યારે પતિ યુવતી સાથે ઝઘડા કરતો હતો. બાદમાં ઘરના પૈસા પિયરમાંથી લઈ આવે નહિ તો ઘરની બહાર નીકળ તેવી ધમકી સસરિયાઓએ આપતા યુવતીએ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:27 pm IST)