Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજસ્થાન હાઇકોર્ટ પ્રાંગણમાંથી મનુની પ્રતિમા હટાવો ઝુંબેશઃ ગુજરાતમાં એક હજારથી વધુ મહિલાઓ ફરકાવશે રાષ્ટ્રધ્વજ

મનુ વિરોધી સંદેશ સાથે કપાળે પટ્ટી બાંધી મહિલાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે: નાની દેવતી ગામે ખાદીનું 1050 મીટરનું કાપડ મંગાવાયું

અમદાવાદઃ દલિત અને દેશની તમામ સ્ત્રીઓને અપવિત્ર ગણાવનારા મનુની પ્રતિમાને રાજસ્થાન હાઇકોર્ટનાં પ્રાંગણમાંથી દૂર કરવા 15 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટનાં રોજ માત્ર ગુજરાતનાં ગામડાંઓમાં 1 હજારથી વધુ મહિલાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જ્યારે દેશભરમાં 2500થી વધુ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ગણતરી છે. આ રાષ્ટ્રધ્વજ સાણંદ બાવળા રોડ પરની નાની દેવતી ગામે બનાવવાની પ્રક્રિયા પુરબહારમાં ચાલી રહી છે. જ્યારે દેશનાં અન્ય રાજયોને તેમને ત્યાં રાષ્ટ્રધ્વજ બનાવવાની લેવાનું જણાવવામાં આવ્યું છે.

   નવસર્જન ટ્રસ્ટનાં સ્થાપક માર્ટિન મેકવાને જણાવ્યું હતું કે, “દલિતો સહિત સમગ્ર દેશની સ્ત્રીઓને અપવિત્ર ગણાવનારા મનુની પ્રતિમાને દૂર કરવાની માંગ સાથે શરૂ કરાયેલી ચળવળનાં ભાગરૂપે જ કોંગ્રેસને 15મી ઓગસ્ટ સુધીમાં કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે. તેની સાથે 15મી ઓગસ્ટનાં રોજ દેશનાં જુદા-જુદા ગામડાંઓમાં મહિલાઓ દ્રારા સૌ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. મહિલાઓ મનુ વિરોધી સંદેશ સાથેની કપાળે પટ્ટી બાંધીને ગુજરાતમાં એક હજારથી વધુ ગામડાંઓનાં સ્થળોએ ધ્વજવંદન ફરકાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

ભારતીય બંધારણ મુજબ નવ પ્રકારનાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય છે. અમે સરકારી કચેરીઓમાં ફરકાવવામાં આવે છે તે મુજબનો 3 બાય 2 ફૂટનો એક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. તેનાં માટે ખાદીનું 1050 મીટર ખાદીનું કાપડ પણ આવી ગયું છે.

સાણંદ સ્થિત નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. હાલ ચાર જણાં કાપડનું કટીંગ કરી રહ્યાં છે. બીજા 20 જણાં સિલાઇનું કાર્ય ઝડપથી હાથ ધરશે. સમય ઓછો હોવાનાં કારણે સપ્લાય કરવાનું શક્ય ના હોવાથી દેશનાં અન્ય રાજ્યોને રાષ્ટ્રધ્વજ તેમને ત્યાં બનાવવા માટેની જાણ કરાઇ છે. આ અભિયાનમાં નવ સર્જન ટ્રસ્ટ ઉપરાંત દલિત શક્તિ કેન્દ્ર તેમજ અમેરિકા સ્થિત હિન્દુત્વ હ્મુમન રાઇટ સંસ્થા પણ જોડાયેલી છે. આ રાષ્ટ્રધ્વજ વગેરનો ખર્ચ ડોનેશનથી જ આપ્યો છે.

(5:44 pm IST)