Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોની કમાલ : રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી કરી અન્નનળીનું જટિલ ટયુમર દૂર કર્યુ

રાજસ્થાનના બાળકને નવજીવન આપતા પરિવારજનોમાં ખુશીની છોળો ઉડી

જયપુર : રાજસ્થાનના 10 વર્ષના માસુમ બાળક જયને અન્નનળીમાં ટ્યૂમર થયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટ્યૂમરની તકલીફના કારણે તે યોગ્ય રીતે જમી પણ નહોતો શકતો. આ કારણે ધીમે ધીમે તેનું વજન પણ ઓછું થઈ રહ્યું હતું. ધીમે ધીમે બીજી શારીરિક સમસ્યાઓ પણ વધવા લાગી હતી. પિતા પ્રેમજયશંકરે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં ટ્યૂમરના નિદાન માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ક્યાંય સફળતા ન મળી. આખરે છેલ્લાં વિકલ્પ તરીકે અમદાવાદમાં રહેતા તેમના એક સગાએ સિવિલ સંકુલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં નિદાન માટે સૂચન કર્યુ હતું.  ત્યારબાદ જયના પિતા જી.સી.આર.આઇ. આવી પહોંચ્યાં હતા. પછી જે થયું તે એક ઇતિહાસ બની રહ્યો. અમદાવાદ સિવિલ સંકુલની જી.સી.આર.આઇ.  હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ.રાજન ગર્ગ અને તેમની ટીમ દ્વારા રેરેસ્ટ ઓફ ધી રેર કહેવાતી આ સર્જરી કરવા માટે બીડુ ઉપાડવામાં આવ્યું હતું.

લોકડાઉન પહેલા જયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને દોઢ મહિનો વિવિધ ટેસ્ટ અને રિપોર્ટ કરવામાં આવ્યા. આ પ્રકારના કેસમાં થોડી પણ ગફલત જય માટે ઘાતકી સાબિત થઈ શકે તેમ હતી. તેથી તબીબોની ટીમે વિશ્વમાં કરવામાં આવેલા આ પ્રકારના ઓપરેશનનો બારીકાઈથી અભ્યાસ  કર્યો. લોકડાઉન પુર્ણ થતાં જ જયના અન્નનળીમાંથી ટ્યુમર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સતત ૮ કલાક ચાલેલા ઓપરેશનમાં અંતે ઓપરેશન સફળ રહ્યું. અન્નનળીના ટ્યૂમરનો હિસ્સો કાઢીને અન્નનળીનો નવો માર્ગ બનાવવામાં આવ્યો. હાલ ઓપરેશનના ૧૦ દિવસ બાદ જય સારી રીતે કોઇપણ જાતની તકલીફ વગર પહેલાની માફક ભોજન લઈ શકે છે.

જયના પિતા પ્રેમજયશંકર કહે છે કે, જય જીવી શકશે તેની આશા હું છોડી ચૂક્યો હતો. પરંતુ સિવિલ સંકુલની જી.સી.આર.આઇ.ના તબીબોએ મારા જયને નવજીવન બક્ષ્યું છે. સરકારી હોસ્પિટલમાં સંવેદનશીલતા સાથે સરસ સહકાર મળશે તેની  કલ્પના ન હતી. હોસ્પિટલમાં અમને ઉચ્ચ તબીબી સારવાર સાથે- સાથે હુંફ અને માનવતા પણ જોવા મળી. મારા બાળકની અતિ જટિલ સમસ્યાને લઇ ચિંતીત રહેતો, ત્યારે હોસ્પિટલના તબીબો અને સ્ટાફ મિત્રો દ્વારા મને દિલાસો આપવામાં આવતો. મારી સાથે સારો વ્યવહાર કરીને મને સાચો રસ્તો બતાવ્યો. જે માટે હું હરહંમેશ જી.સી.આર.આઇ. હોસ્પિટલ અને ગુજરાત સરકારનો ઋણી રહીશ.

(1:21 pm IST)