Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

નર્સિગના માત્ર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવા કાઉન્સિલની સૂચના

આ સિવાયના વિદ્યાર્થીઓને આગળના વર્ષના પ્રદર્શનના આધારે પ્રમોશન આપી દેવામાં આવશે

અમદાવાદ: નર્સિગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી માત્ર છેલ્લા વર્ષની પરીક્ષા લેવામાં આવશે તેવી ઇન્ડિયન નર્સિગ કાઉન્સિલ દ્વારા આજે સ્પષ્ટતાં કરવામાં આવી છે. આ સિવાયના વિદ્યાર્થીઓને આગળના વર્ષના પ્રદર્શનના આધારે પ્રમોશન આપી દેવામાં આવશે. છેલ્લા વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની નિયમ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. કાઉન્સિલના આ નિર્ણયના કારણે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી અંદાજે 25 જેટલી કોલેજોના પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી નહી પડે. આ વિધાર્થીઓને હાલ આગળના વર્ષમાં અભ્યાસ કરવાની સૂચના પણ કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે.

ઇન્ડિયન નર્સિગ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે છેલ્લા વર્ષ સિવાયના તમામ વિ દ્યાર્થીઓને ઇન્ટરનલ એકઝામના 50 ટકા અને આગળના વર્ષના 50 ટકા પ્રમાણે ઇવેલ્યુએશન કરીને પરિણામ આપી દેવાનું રહેશે. કોઇ વિદ્યાર્થી આ પ્રકારના ઇવેલ્યુએશન સીસ્ટમમાં પણ નાપાસ થતો હોય તો તેણે જે તે વિષયની પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ જ તેને ફાઇનલ વર્ષની ડીગ્રી આપવામાં આવશે. જે વિધાર્થીઓને આ પ્રકારના ઇવોલ્યુએશનની સંતોષ ન હોય તેમના માટે પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જે તે યુનિવર્સિટીએ ફરીવાર સ્પેશ્યલ એકઝામનું આયોજન કરવાનું રહેશે. નર્સિગ કાઉન્સિલના આ નિર્ણયના કારણે રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી નર્સિગ કોલેજમાં અભ્યાસ કરતાં હજારો વિધાર્થીઓએ હવે પરીક્ષા આપવાની રહેશે નહી. જોકે, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ અને પી.જી.ના વિદ્યાર્થીઓએ નિયમ પ્રમાણે તમામ વિષયની પરીક્ષા આપવાની રહેશે.

(12:01 pm IST)