Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

કોરોના"ના સંક્રમણને નાથવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ : સાવચેતીના તમામ પગલાઓ :વઘઇ ખાતે દવા છંટકાવ સાથે પ્રજાજનોને જાગૃત કરાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :)ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વેપારી મથક વઘઇ ખાતે "કોરોના" ના સામે આવેલા બે કેસ અને કુંડકસ ગામના એક કેસને પગલે, જિલ્લા કલેકટર એન.કે.ડામોરે તેમની ટીમ સાથે તાબડતોડ સ્થળ ઉપર ધસી જઈ, સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવાની સૂચના આપી હતી.ડાંગ જિલ્લામાં "કોરોના"ને પ્રવેશતો અટકાવવા માટે સતર્કતા રાખતા જિલ્લા વહીવટી તંત્ર, આ નવા કેસ સામે આવતા સમગ્ર વિસ્તારને નિયમોનુસાર "કન્ટેઈનમેન્ટ" અને "બફર" ઝોન ડિકલેર કરી, સંક્રમણ ને અટકાવવા માટે તમામ પગલાંઓ લઇ રહ્યું છે.જેના ભાગરૂપે કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી વઘઇ નગરના તમામ બારે બાર વોર્ડ, ફળિયાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી, સ્વચ્છતા બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  આ કામગીરીમાં નગરના ૧૩૨૮ ઘરોની ૬૭૧૫ જનસંખ્યાને આવરી લઈ, નગરજનોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સાથે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર પોતાના હાથ ધોવા અને ફેસ માસ્કના ઉપયોગ બાબતે પણ સમજ આપવામાં આવી રહી છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમા જ "ગ્રીન ઝોન" માં રહેલા એકમાત્ર ડાંગ જિલ્લામાં એક જ દિવસે "કોરોના" ના ત્રણ કેસો સામે આવવા પામ્યા હતા. જે પૈકી બે કેસો વઘઇ નગરમાં, અને એક કેસ કુંડકસ ગામે નોંધાયો હતો. આ અગાઉ ડાંગ જિલ્લામાં "કોરોના"ના પાંચ કેસો નોંધાવા પામ્યા હતા. જે તમામ પાંચે કેસોમાં દર્દીઓને યોગ્ય સારવાર બાદ તેઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આમ, હાલમાં ડાંગ જિલ્લામાં ત્રણ એક્ટિવ કેસો છે

(11:56 am IST)