Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સુરતમાં અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં હવે લાંબી કતાર

સુરતમાં કોરોનાની કડવી સચ્ચાઈ : દિવસે ને દિવસે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસ સંક્રમણનાં આંકડાઓ સતત વધતા જઈ રહ્યાં છે

સુરત, તા. ૧૧ : કોરોના મહામારીએ તો સમગ્ર ગુજરાત અને દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે દિવસે ને દિવસે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણનાં આંકડાઓ સતત વધતા જઈ રહ્યાં છે. ત્યારે એવામાં કોવિડ ગાઈડલાઈન અનુસાર જે અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી વાસ્તવિકતા રજૂ કરે છે. સુરતમાં દર કલાકે પાંચ લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. માત્ર એટલું નહીં પરંતુ સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાંબી લાઈનો લાગી છે.

સરકારી આંકડા અનુસાર છેલ્લાં દિવસમાં સુરતમાં ૧૭૦ જેટલી ડેડબોડીનાં કોવિડ-ગાઈડલાઈન અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. જ્યારે અઠવાડિયામાં ૩૯૦ જેટલી બોડીનો અંતિમ સંસ્કાર-દફનવિધિ કરાઈ છે. હાલમાં દરરોજની ૪૮થી પણ વધારે સંખ્યામાં ડેડબોડી સ્મશાનમાં આવી રહી છે. ડરાવનારી વાસ્તવિકતા આગામી સમયમાં ગુજરાત માટે ભારે પડી શકવાની સંભાવના છે.

બુધવારની જો વાત કરીએ તો શહેરમાં ૬૫ જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં ગાઈડલાઈન સાથે અંતિમ વિધી કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. જ્યારે ગુરુવારે પણ ૫૫ જેટલાં મૃતદેહોની સરકારની ગાઈડલાઈન અનુસાર શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમ વિધી કરી હોવાની માહિતી સામે આવી છે. ડૉક્ટરોનાં મતાનુસાર ડાયાબિટીસ અને હાયપર ટેન્શન તેમજ હાર્ટ પેશન્ટ દર્દીઓ વધારે પડતા કોરોનાની અડફેટમાં આવી ચઢ્યાં છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, જે દર્દી ડાયાબિટીસથી પહેલેથી પીડિત હોય અને તે જો કોરોના દર્દી તરીકે દાખલ થયું હોય તો તેનું સુગર કંટ્રોલમાં આવે તે પહેલાં કોરોના કરતાં તેની મુળ બીમારી હાવી થઈ હોવાનાં કિસ્સાઓ વધારે પડતા આવ્યાં છે. છતાં મૃતકોને કોરોનામાં આંકતા તેમની શંકાસ્પદ કોરોના સાથે કોરોનાની ગાઈડલાઈન અનુસાર અંતિમ વિધી કરાતી હોવા છતાં મોતનો આંકડો વધ્યો છે. જો કે અહીં મુશ્કેલી સર્જાઈ રહી છે કે મૃત્યુનાં આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં હોવાની બાબતો પણ ક્યાંક-ક્યાં પ્રકાશમાં આવી હતી. સુરતમાં પચ્ચીસેક દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમ ક્રિયાની એવરેજ ૨૫થી ૩૦ની હતી. જે હવે ૪૫ થઈ ગઈ છે. છેલ્લાં દિવસમાં સંખ્યા ૫૦થી વધી ગઈ છે. બુધવારે સૌથી વધારે એટલે કે ૬૫ જેટલી ડેડબોડીનાં અંતિમ સંસ્કાર-દફનવિધિ કરવામાં આવી હતી. જો આજ મુજબ ઝડપ વધતી રહેશે તો લગભગ જુલાઈનાં અંત સુધી આંકડો બની શકે કે ૭૦ સુધી પહોંચી શકે છે. એમાંય ખાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાંથી મૃતદેહને જે રીતે પ્લાસ્ટિકમાં લપેટાઈ છે કે પરિવારજનોને જ્યારે મોઢું બતાવવાનો પ્રયાસ કરાયો ત્યારે તે ડેડબોડી ઉલટી નીકળે છે. ગત રોજ પણ એક એવી ઘટના આવી હતી કે જેમાં સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાં એક પર એક લાશો નાંખી દેવાતા ભારે હોબાળો મચી ગયો હતો.

(2:16 pm IST)