Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાજ્યની જીવાદોરી નર્મદા યોજના માટે 70 હજાર કરોડથી વધુ ખર્ચાયા છતાં યોજના અપૂર્ણ !!

યોજનામાં વિલબથી 20 હજાર કરોડને બદલે ખર્ચ સતત વધ્યો છતાં 10 હજાર કિ,મી, કરતા વધુ નહેરોના કામ બાકી

 

ગાંધીનગરઃ રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા યોજના પાછળ.70 હજાર કરોડથી પણ વધુનો ખર્ચ થયો  છતાં આ યોજના અધુરી છે. હજુ પણ 10 હજાર કિમી કરતાં વધુ નહેરોનાં નિર્માણકાર્ય બાકી છે.  સરકારે વિધાનસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ બાબતનો સ્વીકાર કર્યો છે. જે યોજના 20 હજાર કરોડમાં પૂરી થઈ જવાની હતી, તે સમયસર પુરી ન થવાના કારણે ખર્ચ વધી ગયો છે. 

  નર્મદા યોજનામાં હજુ પણ 2730 કિમી લંબાઈની શાખા કેનાલમાં 110.98 કિમીનું કામ બાકી છે ,4546 કિમીની વિશાખા કેનાલ પૈકી 209.82 કીમીનું કામ બાકી છે,15669.94 કીમીની પ્રશાખા કેનાલો પૈકી 1691.44 કીમીનું કામ બાકી છે અને 48319.94 કીમીની પ્રપ્રશાખા કેનાલ પૈકી 8783.57 કિમીના કામ બાકી છે

સરકારે જણાવ્યું કે, અત્યાર સુધી નર્મદા યોજના પાછળ કુલ. 70167.55 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે નહેરોના નિર્માણમાં 42700 કરોડ કરતા વધુનો ખર્ચ થયો છે. સરકારે વધુમાં જણાવ્યું કે, "નર્મદા બંધમાં કુલ 9460 મિલિયન ક્યુબીક મિટર પાણીનો જથ્થો સંગ્રહી શકાય તેમ છે. છેલ્લા 2 વર્ષમાં એક પણ મહિનામાં ક્ષમતાના 50 ટકા વધુનો જળસંગ્રહ થયો નથી. આ વર્ષે સરેરાશ 4800 મિલિયન ક્યુબીક મિટર પાણીનો સંગ્રહ થયો છે.

 નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપતા જણાવ્યું કે, "જો નર્મદા યોજના સમયસર પૂરી થઈ ગઈ હોત તો 20 હજાર કરોડની આસપાસના ખર્ચમાં પૂર્ણ થઈ જતી. સમયસર કામ પૂર્ણ ન થવાના કારણે સરકારને અત્યાર સુધી રૂ. 70 હજાર કરોડથી વધુનો ખર્ચ થયો છે."

 કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું કે, "નર્મદા યોજના માટે વાહવાહી કરનારી ભાજપ સરકાર ગૃહમાં ખુલ્લી પડી ગઈ છે. 70000 કરોડના ખર્ચે હજી પણ યોજના અધૂરી છે. એ વખતના વિસ્થાપીતો માટે પૃથ્વીરાજ ચૌહાણે જગ્યા આપી હતી. પર્યાવરણની મંજૂરી કોંગ્રેસે આપી હતી અને એનો જશ ભાજપ લઈ રહી છે. યોજનાના ઘણા કામ બાકી છે. ખેડૂતો જમીન નથી આપતા એવી વાતો કરવામાં આવે છે, પરંતુ સરકારની ઈચ્છા ન હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મારા પ્રશ્નમાં નીતિન ભાઈએ સ્વીકાર્યું છે કે, ચીમન ભાઈ પટેલે મને બોલાવી કેનાલના કામ કરવા માટે કહ્યું હતું. મુખ્ય કેનાલના કામ એ વખતે અમે પૂર્ણ કર્યા હતા અને હજુ સુધી ભાજપ સરકારમાં પેટા કેનાલના કામ પૂર્ણ થતાં નથી."

આ અંગે કોંગ્રેસના ઉપદંડક શૈલેષ પરમારે જણાવ્યું કે, "રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાની શાખા, વિશાખા અને અન્ય મળીને કુલ 10,700 કિમી કરતાં વધુ નહેરોનું હજુ નિર્માણકાર્ય બાકી છે. ભાજપ આ યોજનાના દરવાજા નાખવાનો જશ લઈને મજાક કરે છે. ભાજપે કામ પુરું કરવાનું વચન આપ્યું હતું." 

શૈલેષ પરમારે સરકાર પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે, "કેનાલોનાં કામ બાકી છે અને ગાબડાં પડી રહ્યાં છે. સરકારે હજુ સુધી એક પણ એજન્સી સામે પગલાં ભર્યા નથી. કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. "

(11:25 pm IST)