Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

સુજલામ સુફલામ હેઠળ પગલા

અમદાવાદ,તા.૧૨: રાજ્ય સરકારે વરસાદના વહી જતા પાણીને જે તે ગામમાં જ સંચય કરવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ જળ અભિયાન અંતર્ગત છેલ્લા એક વર્ષમાં સુરત જિલ્લામાં ૨૦૧ તળાવો, બનાસકાંઠા જિલ્લામાં ૨૧૯ તળાવો, જ્યારે છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૧૨૦ તળાવો, વડોદરા જિલ્લામાં ૪૪ તળાવો અને ભરૂચ જિલ્લામાં ૯૭ તળાવો એમ પાંચ જિલ્લાઓમાં કુલ ૬૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે; તેમ વિધાનસભાગૃહમાં વિવિધ ધારાસભ્ય દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ઉંડા કરાયેલા તળાવો અંગેના પ્રશ્નનો પ્રત્યુતર આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. સુરત જિલ્લામાં તારીખ ૩૧મી માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૪૭૩.૪૫ લાખના ખર્ચે ૨૦૧ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જેના પરિણામે સુરત જિલ્લામાં ૭૧.૩૪૨ મી.ઘનફૂટ જેટલો જળસંગ્રહમાં વધારો થયો છે તેમ સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિ બલરના પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું.

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ શરૂ કરાયેલા કામો એપ્રિલથી શરૂ કરીને ચોમાસું આવતા પહેલા જ ઉનાળામાં પૂર્ણ કરી દેવામાં આવે છે, જેથી કરીને પાણીનો યોગ્ય જળસંચય થઈ શકે તેમ મંત્રીએ વધુ વિગત આપતા ગૃહમાં કહ્યું હતું.

(9:51 pm IST)