Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સરકારી હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં હજારો જગ્યા ખાલી વિધાનસભામાં આરોગ્યમંત્રીએ માહિતી આપી

કુલ મંજૂર થયેલી જગ્યામાંથી ૨૮ ટકા જગ્યા હજુય ખાલી

અમદાવાદ, તા.૧૨: હાલ સમગ્ર દેશમાં મોદી સરકારની સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર સામે પણ બેરોજગારોને નોકરી આપવાથી લઈ આરોગ્ય સેવાના મામલે સૌથી મોટો પડકાર છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અદ્યતન અને ઝડપી આરોગ્ય સેવા આપવાના દાવો કરતી ભાજપ સરકારના શાસનમાં સરકારી હોસ્પિટલો હોસ્પિટલોમાં જ મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાની ચોંકાવનારી વિગતો વિધાનસભા ગૃહમાં આજે સામે આવી હતી. વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં ખુદ સરકાર દ્વારા જણાવાયુ હતું કે, રાજ્યમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ ૪૧ હજાર જગ્યાઓ મંજૂર થયેલી છે. પરંતુ તેમાંથી ૧૨૦૫૫ એટલે કે ૨૮ ટકા જગ્યાઓ ખાલી છે. સરકારના આ ખુલાસા બાદ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સરકારના આરોગ્યમંત્રી દ્વારા જ વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ, રાજયની સરકારી હોસ્પિટલોમાં જે ખાલી જગ્યાઓ છે, તેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં સરકારી-જનરલ હોસ્પિટલમાં ૮૩૩, પાટણ જિલ્લામાં ૭૨૬, વલસાડ જિલ્લામાં ૫૫૧ જગ્યાઓ ખાલી રહી છે. જ્યારે કચ્છ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૭૯ જગ્યાઓ ખાલી પડી છે. તેમજ પાટણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ ૬૨૦ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલમાં ૪,૬૪૪ ખાલી જગ્યાઓમાં વર્ગ-૨ અને ૪ના કર્મચારીઓની ભરતી થઇ નથી, તો બીજી તરફ રાજ્ય સરકારની જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર થયેલી જગ્યાઓ પૈકી કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે, એવા પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલોમાં ૪,૬૪૪, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩,૯૧૬ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૩,૪૯૫ જગ્યાઓ ખાલી રહી છે. જ્યારે ભરવામાં આવેલી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓમાં વર્ગ ૩-૪ને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સીંગ પદ્ધતિથી ભરવામાં આવી છે. જ્યારે વર્ગ ૧,૨ અને ૩માં ૪૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી રહી હોવાનો સ્વીકાર કરાયો હતો. ગુજરાતમાં બેકારોની નોંધણી અને નોકરીની વ્યવસ્થા સંભાળતા રજિસ્ટરમાં ૪,૬૮,૧૧૭ હાઈક્વોલિફાઈડ શિક્ષિત યુવક- યુવતીઓ સહિત કુલ ૪.૯૩ લાખથી વધુ બેરોજગારો નોંધાયેલા હોવાની વાત પણ સામે આવી હતી.

(9:48 pm IST)